Navsari News: નવસારી જિલ્લામાં સામાન્ય બોલાચાલીમાં લાગી આવતા પતિએ આત્મહત્યા કરી હતી. સાળાને લગ્નમાં ગિફ્ટ આપવા બાબતે પત્ની સાથે ઝગડો થયા બાદ પતિ સાસરીમાંથી પોતાના ઘરે આવી ગયો હતો. મિત્રને ફોન કરીને દીકરીનું મોઢું જોયું હતું અને બાદમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં રહેતા 39 વર્ષીય વિપુલ રમેશ નાયકા પટેલના લગ્ન બામણવેલની અંજલીબેન સાથે થયા હતા. વિપુલના સાળાના લગ્ન નક્કી થયા હોવાથી તૈયારીઓ ચાલી રહી હતી. વિપુલ અને અંજલી સાળાના લગ્નમાં ગ્રહશાંતિ કરાવવાના હતા. જે દરમિયાન રવિવારે રાત્રે સાળાને ગિફ્ટ શું આપવી તેને લઇને અંજલી અને વિપુલ વચ્ચે બોલાચાલી થઇ હતી.
બોલાચાલી થયા બાદ વિપુલને લાગી આવતા વિપુલ બામણવેલ ગામથી પોતાના ઘરે આવી ગયો હતો. સોમવારે સવારે વિપુલે પોતાના મિત્ર કમલેશને વીડિયો કોલ કર્યો હતો અને પોતાની દીકરી શ્રૃષ્ટિને જોવી છે તેમ કહ્યું હતું. મિત્ર કમલેશે વિપુલને શ્રૃષ્ટિને બતાવી હતી. બાદમાં વિપુલે હું જાઉં છું તેમ કહેતા અંજલીને શંકા ગઇ હતી.
અંજલીએ રાનવેરીકલ્લા ગામમાં રહેતા મંગુભાઈને ફોન કર્યો હતો પરંતુ તેઓ બહાર હોવાથી રમેશભાઈને ફોન કરીને વિપુલના ઘરે જવા કહ્યું હતું. રમેશભાઈ ઘરે પહોંચ્યા ત્યારે ગળાફાંસો ખાધેલી હાલતમાં વિપુલ જોવા મળ્યો હતો. બનાવ અંગે અંજલીને જાણ કરવામાં આવતા અંજલી રાનવેરીકલ્લા ગામે આવી હતી. વિપુલને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
