Navsari Ganeshotsav 2026 Guidelines: આગામી ગણેશોત્સવને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં આ વર્ષે નાની-મોટી 10,000 થી વધુ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થશે. ધાર્મિક પર્વમાં પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે અને જળાશયો પ્રદૂષિત ન થાય તે માટે તંત્ર દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પ્રતિમાની ઊંચાઈ અને વિસર્જન અંગે નિયમો
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ પર્યાવરણના રક્ષણ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો લાદવામાં આવ્યા છે.
POP પ્રતિમા પર પ્રતિબંધ: કુદરતી જળાશયો, નદીઓ અને તળાવોમાં POP (પ્લાસ્ટર ઓફ પેરિસ) મૂર્તિનું વિસર્જન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પૂજનવિધિ પર મર્યાદા: જળાશયોના કિનારે પૂજનવિધિ કરવા પર પણ કડક પ્રતિબંધ રહેશે.
કેમિકલ કલર્સ પર પ્રતિબંધ: મૂર્તિ બનાવવામાં કોઈપણ પ્રકારના ઝેરી સિન્થેટિક કેમિકલ ડાય અને કલરનો ઉપયોગ કરી શકાશે નહીં.
ઊંચાઈની મર્યાદા: ગણેશજીની મૂર્તિની મહત્તમ ઊંચાઈ 12 ફૂટ નક્કી કરવામાં આવી છે.
વેપારીઓ માટે સમાન નિયમો: અન્ય જિલ્લામાંથી મૂર્તિઓ લાવીને નવસારીમાં વેચતા વેપારીઓ પર પણ આ જ તમામ નિયમો સમાન રીતે લાગુ પડશે.
મંડપ દૂર કરવાની મર્યાદા: વિસર્જન પૂર્ણ થયા બાદ સંબંધિત મંડપ અથવા પંડાલને2 દિવસથી વધુ સમય સુધી રાખી શકાશે નહીં.
બિનવારસી પ્રતિમાઓ પર રોક:મૂર્તિકારોએ પોતાના બનાવટ સ્થળે સ્વચ્છતા જાળવવી પડશે અને કોઈપણ ખંડિત કે ન વેચાયેલી મૂર્તિઓને રસ્તા પર કે ગમે ત્યાં બિનવારસી છોડી શકાશે નહીં.
પૂર્ણા નદીમાં દર વર્ષે 5,000 પ્રતિમાનું વિસર્જન
તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નવસારીમાં દર વર્ષે પૂર્ણા નદીમાં અંદાજે 5,000 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ આંકડા પૈકી આશરે 500 પ્રતિમાઓ એવી હોય છે જેની ઊંચાઈ 12 ફૂટથી વધુ હોય છે. વહીવટી તંત્રને આશા છે કે આ વર્ષે લાદવામાં આવેલી નવી મર્યાદાઓ અને કડક નિયમોના સફળ અમલીકરણથી પૂર્ણા નદી પર પ્રદૂષણનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે.
મૂર્તિકારો પર પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા
ગયા વર્ષે પણ મૂર્તિઓની ઊંચાઈ મર્યાદાના ભંગ બદલ પોલીસ દ્વારા કેટલાક મૂર્તિકારો સામે જાહેરનામા ભંગના કેસ નોંધવામાં આવ્યા હતા. આ વર્ષે પણ ઉત્સવ શરૂ થવાના અંદાજે 3 મહિના પહેલાં જ જાહેરનામા ભંગના કેસો નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ છે કે, ગ્રાહકોના ઓર્ડર મુજબ મૂર્તિકારોએ અગાઉથી જ પ્રતિમા તૈયાર કરી લીધી હોય છે.
