સુરત: ગાયના ગોબરમાંથી નિર્મિત ‘સુપર ઈકો-ફ્રેન્ડલી’ ગણેશજીની પ્રતિમા, કામરેજના ગૌ વિજ્ઞાન કેન્દ્રની ઉમદા પહેલ

ગાયના ગોબરનો પાઉડર બનાવી તેમાં કુદરતી ગુંદર મિક્સ કરી મોલ્ડમાં ઢાળીને ઈકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર થયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 11 Sep 2026 03:14 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:14 PM (IST)
surat-kamrej-sundaram-gau-vigyan-kendra-super-eco-friendly-gobar-ganesha-idols
Surat Eco-friendly Ganesh Idol

Surat Eco-friendly Ganesh Idol: ગણેશોત્સવ દરમિયાન સામાન્ય રીતે POP કે માટીની મૂર્તિના ઉપયોગ સામે સંપૂર્ણ કુદરતી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે તેવા વિકલ્પો ઉભરી રહ્યા છે. કામરેજના વાવ-જોખા રોડ પર આવેલા 'સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્ર' દ્વારા ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી 'સુપર ઈકો-ફ્રેન્ડલી' ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.

સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રના અશ્વિન બલદાણિયા અને તેમની ટીમ છેલ્લા પાંચ વર્ષથી આશરે 50 જેટલી ગાયોનું જતન કરીને ગૌમૂત્ર અને ગોબરમાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે તેમણે સુપર ઈકોફ્રેન્ડલી ગૌમય ગણેશ મૂર્તિઓ બનાવી છે.

ઈકો ફ્રેન્ડલી મૂર્તિ નિર્માણ માટે ગાયના ગોબરનો ઝીણો પાઉડર બનાવી તેને કુદરતી ગુંદર મિક્સ કરી મોલ્ડમાં ઢાળીને આકર્ષક મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. મૂર્તિઓને સુશોભિત કરવા માટે માત્ર વોટર-બેઝ્ડ અને ઇકો-ફ્રેન્ડલી રંગોનો જ ઉપયોગ થાય છે, જેથી કોઈ પણ પ્રકારનું હાનિકારક કેમિકલ પર્યાવરણમાં ન ભળે એમ તેમણે જણાવ્યું હતું.

આ મૂર્તિઓને સામાન્ય ઇકો-ફ્રેન્ડલી મૂર્તિથી વધુ 'સુપર ઇકો-ફ્રેન્ડલી' ગણાવવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે સામાન્ય માટીનું ખનન પણ એક પ્રકારે પૃથ્વીના સ્તરને અસર કરે છે, જ્યારે ગોબરસંપૂર્ણપણે કચરામાંથી સમૃદ્ધિ તરફ લઈ જતું કુદરતી ઘટક છે. આ મૂર્તિઓ જમીન કે પાણીને નુકસાન પહોંચાડવાને બદલે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મદદરૂપ સાબિત થાય છે.

આ ગોમય ગણેશજીનું વિસર્જન અત્યંત સરળ છે. જો ભક્તો ઘરે જ કુંડામાં કે વૃક્ષના મૂળમાં આ મૂર્તિનું વિસર્જન કરે, તો તે સંપૂર્ણપણે ઓગળીને છોડ માટે ઉત્તમ જૈવિક ખાતર બની જાય છે. બીજી તરફ, જો નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે તો પાણીમાં ઓગળ્યા બાદ ગોબર વિઘટિત થઈને માછલીઓ તથા અન્ય જળચર જીવો માટે પૌષ્ટિક ખોરાક પૂરો પાડે છે. આમ, વિસર્જન પછી પણ આ મૂર્તિ પ્રકૃતિ અને વૃક્ષોને પુનઃજીવન આપવાનું કાર્ય કરે છે.

આ મૂર્તિઓ 3 ઈંચથી લઈને અઢી ફૂટ સુધીની વિવિધ સાઈઝમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઈ શકે તે માટે તેની કિંમત પણ 50 રૂપિયાથી શરૂ કરીને 1800 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. ગણેશોત્સવના પવિત્ર પર્વે પૂજા-અર્ચના સાથે પ્રકૃતિનું જતન થાય અને પૃથ્વી પરના જીવોને કોઈ હાનિ ન પહોંચે તે માટે સુંદરમ ગૌ વિજ્ઞાન કેન્દ્રનો આ પ્રયોગ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.