Navsari News: નવસારીના ચીખલી તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક ઝઘડામાં રોષે ભરાયેલા પિતાએ પોતાના જ પુત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી પુત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા અને માતાને પણ ચપ્પુ વાગતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નવસારીના ચીખલી તાલુકાના અંબાચ ગામે રહેતા નિલેશ ધોડિયા પટેલ ચિકન સેન્ટરની દુકાન ચલાવે છે. શુક્રવારની રાતે નીલેશભાઈએ તેમની પત્ની ભારતીબેનને ફોન કરીને ચીકનની દુકાને આવવા કહ્યું હતું જો કે ભારતીબેને પૌત્ર સાથે સૂતેલો હોવાથી દુકાને આવવાની ના પાડી હતી. આ વાતને લઈને રોષે ભરાયેલા નીલેશ ઘરે આવી તું આ લોકોના છોકરાને કેમ રાખે છે, તું એ લોકોને આપી દે તેમ જણાવી પત્ની સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી ઝઘડો કર્યો હતો.
આ દરમ્યાન પુત્ર સુરજ(ઉ.વ.25) ઘરે આવ્યો હતો અને પિતાને ઝઘડો કરવાની ના પાડી હતી. જેમાં રોષે ભરાયેલા પિતા નીલેશે પુત્ર સુરજને ગળામાંથી પકડી લીધો હતો અને હાથમાં રહેલા ચપ્પુ વડે પુત્રને છાતીના ભાગે મારી દીધું હતું, જેના કારણે સુરજને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ સુરજને બચાવવા વચ્ચે પડેલા દાદા ચીમનભાઈને શરીરે તેમજ માતા ભારતીબેનને પેટના ભાગે તથા બન્ને હાથમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. ઘટના બાદ નીલેશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો બીજી તરફ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા
આ સમગ્ર મમલો પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે ભારતીબેન નિલેશભાઈ ધોડિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી નીલેશ ચીમનભાઈ ધોડિયા પટેલ (ઉ.વ-48)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
