Navsari: નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાને આખરે તેના નવા મહિલા પ્રમુખ મળ્યા છે. પ્રમુખ પદે અનિતાબેન ભંડારીની સત્તાવાર વરણી કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકીનભાઈ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે. આ નવી વરણીઓ સાથે જ ગણદેવી નગરપાલિકાના શાસક પક્ષનું નવું માળખું સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે.
નવયુક્ત પ્રમુખ અનિતાબેન ભંડારી વહીવટી અને રાજકીય ક્ષેત્ર ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક સ્તરે પણ ખૂબ જાણીતો ચહેરો છે. તેઓ MA. D.A. Arts સુધીની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને છેલ્લા 29 વર્ષથી ગણદેવીની સ્થાનિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો
અનિતાબેન ભંડારી છેલ્લા દસ વર્ષથી સક્રિય રાજકારણમાં કાર્યરત હોવા છતાં, તેમણે પોતાના જીવનની આ પ્રથમ ચૂંટણી લડી હતી. પ્રથમ પ્રયાસે જ ચૂંટણી જીતીને સીધા નગરપાલિકાના પ્રમુખ બનવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ તેમણે હાસલ કરી છે.
રાજકારણ સિવાય તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય છે. તેઓ ભંડારી સમાજમાં અગ્રણી મહિલા નેતા તરીકે ઓળખાય છે અને છેલ્લા પાંચ વર્ષથી ભંડારી સમાજના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે, જ્યારે સામાજિક સંગઠનમાં તેઓ છેલ્લા દસ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
આમ ગણદેવી નગરપાલિકા પ્રમુખ અનિતાબેન ભંડારી, ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (વકીલ), કારોબારી અધ્યક્ષ પિનાકીન પંડ્યા, શાસક પક્ષના નેતાપદે કેયુર વશી,દંડકપદે જય લક્ષ્મી ગાજુલ ની વરણી કરવામાં આવી છે.
