સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદ સામે નારાજગી, જિલ્લા કક્ષાના એસોસિએશનોને વૉટિંગ રાઈટ્સ આપવા રજૂઆત

જામનગરે જામ રણજી, જામ દુલીપ, વિનુ માંકડ, સલીમ દુરાની જેવા અનેક ક્રિકેટરો આપ્યા છે, પરંતુ સ્ટેડીયમનું નામ નિરંજન શાહ આપવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 May 2026 08:07 PM (IST)Updated: Tue, 19 May 2026 08:07 PM (IST)
hearing-against-nepotism-in-sca-retired-judge-listening-to-district-associations
HIGHLIGHTS
  • ડિસ્ટ્રિક્ટ એસોસિએશનનોને સાંભળતા નિવૃત જજ
  • મેડિકલ ઈમરજન્સીમાં ખેલાડીઓને કોઈ મદદ ના મળતી હોવાનો આક્ષેપ

Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં (SCA) ચાલતા પરિવારવાદ અને એકહથ્થુ શાસન સામે શરૂ થયેલ કાનુની લડાઇમાં હાઇકોર્ટે નિમેલા સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટીસ એમ.આર. શાહે આજે રાજકોટમાં સરકીટ હાઉસ ખાતે જિલ્લા કક્ષાના ક્રિકેટ એસોસિએશનો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સહિતના પક્ષકારોને બંધબારણે વન ટુ વન સાંભળ્યા હતા.

નિવૃત જસ્ટીસ સમક્ષ રજુઆત કરવા આવેલા વિવિધ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હોદેદારોએ મીડીયા સમક્ષ ભારે નારાજગી સાથે ઉકળાટ ઠાલવ્યો હતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ચાલતા પરિવારવાદ તથા એકહથ્થુ શાસન સામે સવાલો ઉઠાવ્યા હતા.

હોદેદારોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ખુલ્લો પરિવારવાદ ચાલે છે અને લોધા કમિટીની ભલામણોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. એસોસીએશનના 465 સભ્યોમાંથી 162 તો ત્રણ જ પરિવારના સભ્યો છે અને બાકીના ઘણા તેમના સગા-સંબંધીઓ તથા તેમને ત્યાં નોકરી કરતા લોકોને સભયો બેઠાથાળે ચૂંટણી યોજી હોદાઓની વહેંચણી કરી લેવામાં આવે છે.

જિલ્લા કક્ષાના એસોસીએશનોના હોદેદારોએ ફંડની ફાળવણીમાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા મનમાની ચલાવાતી હોવાનો આરોપ મુકયો હતો અને જણાવ્યું હતું કે દર વર્ષે એસોસિએસનને કરોડો રૂપિયાની આવક થાય છે, પરંતુ જિલ્લા કક્ષાના એસોસીએશનોને ખુબ મામુલી રકમ ફાળવવામાં આવે છે અને જિલ્લાકક્ષાની ટ્રોફીઓ રમાડવા માટે એક દોઢ લાખ માંડ ફાળવવામાં આવે છે. ખેલાડીઓને મેડીકલ ઇમરજન્સીમાં પણ કોઇ મદદ કરવામાં આવતી નથી.

બીજી તરફ ક્રિકેટના વિકાસ પાછળ નાણા વાપરવાના બદલે એસસીએ દ્વારા માત્ર બેંક એફડીમાં જ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. એસસીએ દ્વારા થતા ખર્ચાઓ સામે પણ મોટાભાગના પક્ષકારોએ સવાલો ઉઠાવ્યા હતા.

આજે નિવૃત જજ એમ.આર. શાહ સમક્ષ કચ્છ-ભુજ ક્રિકેટ એસોસિએશન, જામનગર ક્રિકેટ એસોસિએશન, પોરબંદર ક્રિકેટ એસોસીએશન સહીતના ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના પૂર્વ ફાસ્ટ બોલર અને હાલ મેચ રેફરીની ભુમિકા નિભાવનાર પોરબંદરના રાજશે જાડેજાએ જણાવ્યું કે, જજ સમક્ષ અમે તમામ રજુઆત કરી છે અને કેટલાક ડોકયુમેન્ટ પણ અમે આપવાના છીએ. મુખ્ય મુદ્દો વોટીંગ રાઇટસ અને બંધારણનો છે.

આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરનાર પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના કિરીટ સવજાણીએ જણાવ્યું કે, અમારી લડાઇ અન્યાય સામે છે. જે ખોટુ થઇ રહયું છે તેની સામે છે. અમને વોટીંગ રાઇટસ મળવા જોઇએ અને સગા-સંબંધીવાદ પુરો થવો જોઇએ.

જામનગર રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સહદેવસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે અહીં હજુ રાજાશાહી ચાલે છે. જામનગરે જામ રણજી, જામ દુલીપ, વિનુ માંકડ, સલીમ દુરાની જેવા અનેક ક્રિકેટરો આપ્યા છે, પરંતુ સ્ટેડીયમનું નામ નિરંજન શાહ આપવામાં આવ્યું છે. અહીં ડિસ્ટ્રીકટ લવેલ યોગ્ય ક્રિકેટરોને સ્થાન મળતુ નથી અને પસંદગી પણ થતી નથી. જો કે નિવૃત જસ્ટીસ એમ.આર. શાહ સામે થયેલી રજુઆત બાદ એક રિપોર્ટ હાઇકોર્ટમાં જમાં કરવામાન આવશે અને આ મુદ્દે 10 જુને હાઇકોર્ટમાં કેસ આગળ વધશે.