Navsari News, Gujarat Rain Data: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણ રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કારતકમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 93 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 55 મિ.મી (2.17 ઈંચ) વરસાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, આટલો સવા બે ઈંચ જેટલો વરસાદ સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળામાં જ ખાબક્યો છે.
આ પણ વાંચો
આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, અમરેલીના જાફરાબાદમાં 54 મિ.મી (2.13 ઈંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 50 મિ.મી (1.9 ઈંચ), સુરત શહેરમાં 46 મિ.મી (1.8 ઈંચ), ગીર સોમનાથના કોડીનારમાં 41 મિ.મી (1.6 ઈંચ), તાપીના સોનગઢમાં 40 મિ.મી (1.5 ઈંચ), નવસારીના ખેરગામ અને તાપીના વ્યારામાં 39 મિ.મી (1.54 ઈંચ), ગણદેવીમાં 38 મિ.મી (1.5 ઈંચ), છોટા ઉદેપુરના ક્વાંટમાં 36 મિ.મી (1.4 ઈંચ) વરસાદ નોંધાયો છે.
નવસારીમાં સતત બીજા દિવસે માવઠાનો માર
નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારીના ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગણદેવી તાલુકાના અમલસાડ અને બીલીમોરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેના પરિણામે અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાત માટે 3 કલાક અતિભારે, 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભરૂચ, સુરત, તાપી, નર્મદા, ભાવનગર અને અમરેલી જેવા 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ તેમજ બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું ચે.
