Navsari Literacy Rate: નવસારી જિલ્લો સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ આદિવાસી ધરાવતો પ્રદેશ ગણાય છે. તેમ છતાં નવસારી જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે અભુતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, નવસારીનો સાક્ષરતા દર 83.88 ટકા નોંધાયો હતો. જે સાથે નવસારી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં સાક્ષરતાની દ્રષ્ટિએ ટોચના પાંચમાં ક્રમે સ્થાન મેળવ્યું હતું. હાલના સમયમાં આ સાક્ષરતા દર વધીને 90 ટકાની આસપાસ પહોંચ્યો હોવાનો અંદાજ છે.
આઝાદી સમયે શિક્ષણનું પ્રમાણ ઓછું
દેશની આઝાદી સમયે નવસારીના આદિવાસી સમાજમાં શિક્ષણ અને સાક્ષરતાનું પ્રમાણ માત્ર 15થી 20 ટકા જેટલું જ ખૂબ ઓછું નોંધાયેલ હતું. જોકે, છેલ્લા કેટલાક દાયદાઓમાં શિક્ષણના દરમાં ઉતરોતર વધારો નોંધાયો છે. વર્ષ 2001 સુધીમાં સાક્ષરતા દર 75 ટકા સુધી પહોંચ્યો હતો.
સાક્ષરતાના દરમાં નોંધપાત્ર વધારો
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારે તે બાદના સમયગાળા દરમિયાન જિલ્લાના સાક્ષરતા દરમાં નોંધપાત્ર 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવસારી જિલ્લાના સાક્ષરતાના દરના આંકડાની વાત કરીએ તો, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગણદેવી તાલુકો 86.5 ટકા સાથે સૌથી આગળ રહ્યો હતો.
નવસારીના અન્ય તાલુકાઓની સ્થિતિ
નવસારી તાલુકામાં 85.5 ટકા, જલાલપોરમાં 84.2 ટકા અને ચીખલીમાં 82 ટકા સાક્ષરતા નોંધાઈ હતી. જ્યારે ખેરગામ તાલુકામાં 78.5 ટકા અને વાંસદા તાલુકામાં 75.1 ટકા સાક્ષરતા દર નોંધાયો હતો, જે આદિવાસી વિસ્તારમાં શિક્ષણના વ્યાપ અને જાગૃતિ દર્શાવે છે.
