Navsari News: નવસારી જિલ્લામાં દીપડાનો આતંક યથાવત્ત છે. નવસારીના ગ્રામ્ય પંથકોમાં દીપડાના હુમલાઓની ઘણી ઘટનાઓ સામે આવી છે. આવી ઘટનાઓમાં ઘણા લોકોના મોત થયા છે. દીપડાની દહેશતનો એક આવો જ ચોંકાવનારો કિસ્સો ચીખલીમાંથી સામે આવ્યો છે. ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે રાત્રિના અંધકારમાં ખૂંખાર દીપડાએ 13 વર્ષીય બાળક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
દીપડાએ બાળક પર કર્યો હુમલો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના મીણકચ્છ ગામમાં રાત્રિના સમયે લાઈટ જતી રહી. ત્યારે એકાએક વીજળી ગુલ થઈ જતાં ગામ અંધકારમાં સમાઈ ગયું હતું. તેવા સમયે ગામમાં એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. દીપડો આસપાસના વિસ્તારમાં ફરી રહ્યો હતો. એક ઘરની બહાર 13 વર્ષીય બાળક રમી રહ્યો જોતા. અંધારાનો લાભ લઈને દીપડાએ અચાનક જ બાળક પર હુમલો કરી દીધો હતો.
માતાએ બચાવ્યો બાળકનો જીવ
હિંસક દીપડાએ બાળકને મોઢામાં જકડી લઈને તેને 15 ફૂટ સુધી ઘસડીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે, દીપડાના હુમલા દરમિયાન માતા આવી ગઈ હતી. તેણે પોતાના પુત્રને દીપડાના મુખમાં જોતાં જોર જોરથી બૂમાબૂમ કરી દીધી. જેથી અચાનક થયેલ અફરાતફરી અને લોકોને આવતા જોઈને દીપડાએ બાળકને છોડી દઈને નજીકના ખેતર વિસ્તારમાં નાસી ગયો હતો.
દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા
બાળક પર થયેલા દિપડાના હુમલાથી મીણકચ્છ ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપરાંત, દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પળવારનો વિલંબ કર્યા વિના બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને દીપડાને પકડવા મટે 3 પાંજરા ગોઠવી દઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
