Navsari: બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત છે. ગુજરાતની શાન સમાન 'બિલીમોરા-વઘઈ' હેરિટેજ ટ્રેન તેની સાક્ષી પૂરે છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન તરફ ગતિશીલ ગુજરાતમાં 110 વર્ષ જૂની આ નેરોગેજ ટ્રેન સંસ્કૃતિ અને પર્યટનનું પ્રતીક બનીને દોડી રહી છે.
1913માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલોમાંથી લાકડાં લાવવા માટે શરૂ થયેલી આ રેલવે લાઇન આજે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાલો, આ ઐતિહાસિક સફરની રોચક વિગતો જાણીએ.
નવસારી જિલ્લાના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધી 63 કિલોમીટરનો સફર કરાવતી આ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ જીવંત ઇતિહાસ છે. વર્ષ 1913-14 દરમિયાન ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા આ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં જંગલોમાંથી લાકડાં લાવવા માટે બનાવવામાં આવેલી આ લાઇન આજે પર્યટકો માટે વિશેષ આકર્ષણ બની છે.
દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે દોડતી આ ટ્રેન મુસાફરોને અનોખો અનુભવ કરાવે છે. કાલકા-શિમલા ટોય ટ્રેન જેવી અનુભૂતિ આપતી આ ટ્રેનની સરેરાશ ઝડપ કલાકના 20 થી 25 કિલોમીટર છે અને લગભગ સાડા ત્રણ કલાકમાં મુસાફરી પૂર્ણ થાય છે.
આ ટ્રેનની વિશેષતા એ છે કે, આજે પણ તેમાં મેન્યુઅલ ક્રોસિંગની પરંપરા જીવંત છે. ટ્રેન જ્યાં ફાટક આવે ત્યાં રેલવે કર્મચારી પોતે ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે. રેલવે વિભાગે ટ્રેનના મૂળ લાકડાના માળખા અને ઐતિહાસિક લુકને જાળવી રાખવા માટે ખાસ પ્રયત્નો કર્યા છે.મુસાફરોના જણાવ્યા મુજબ આ સફર માત્ર ટ્રાવેલ નથી, પરંતુ એક અનોખો અનુભવ છે, જેમાં પ્રકૃતિ અને ઇતિહાસ સાથે જોડાવાની તક મળે છે.
આ ટ્રેનની લોકપ્રિયતા એથી સ્પષ્ટ થાય છે કે, વર્ષ 2023-24 દરમિયાન 28 લાખથી વધુ લોકોએ આ હેરિટેજ સફરનો આનંદ માણ્યો હતો. દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય જીવન, ખેતી અને જંગલ વચ્ચેનો આ સફર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ રીતે બિલીમોરા-વઘઈ હેરિટેજ ટ્રેન ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધનું અનોખું પ્રતીક બની રહી છે.
