Narmada News: કેન્દ્રીય રેલવે અને જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાએ આજે 16 નવેમ્બર, સોમવારના રોજ ભારતના સૌથી સુંદર અને આધુનિક રેલવે સ્ટેશનો પૈકી એક તેમજ ગુજરાતના પ્રથમ ‘ગ્રીન રેલ્વે સ્ટેશન’ એકતાનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ ગણાતા આ સ્ટેશનની મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન વી. સોમન્નાએ સ્ટેશનની સ્વચ્છતા, યાત્રીઓ માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સ્ટેશનના જાળવણી કાર્યોની પ્રશંસા કરતા મુસાફરોને વિશ્વકક્ષાનો અનુભવ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

એકતાનગર રેલવે સ્ટેશનના નિરીક્ષણ બાદ રેલવે રાજ્યમંત્રીએ વડોદરા રેલવે મંડળના મંડળ રેલવે પ્રબંધક (DRM) રાજુ ભડકે સાથે એકતાનગર-પ્રતાપનગર રેલવે ખંડનું 'વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ' કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તેમણે રેલવે ટ્રેકની સુરક્ષા, સિગ્નલિંગ વ્યવસ્થા અને ટ્રેન સંચાલનની કાર્યક્ષમતાની સમીક્ષા કરી હતી. અધિકારીઓ દ્વારા તેમને વિકાસલક્ષી પરિયોજનાઓ અને માળખાકીય સુધારા અંગે પણ અવગત કરાવ્યા હતા.
આ તકે મંડળ રેલવે પ્રબંધક રાજુ ભડકેએ કેન્દ્રીય મંત્રીને વડોદરા મંડળ હેઠળ દેશના અન્ય ભાગો સાથે રેલ કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી. ખાસ કરીને તહેવારો દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે ઉત્તર અને દક્ષિણ ભારત તરફ દોડાવવામાં આવેલ વિશેષ ટ્રેનો તેમજ સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન માટે રેલવે તંત્રના સફળ આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
