Narmada Parikrama 2026: નર્મદાની પવિત્ર 'ઉત્તરવાહિની' પરિક્રમા, રામપુરાની પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધાનો મહાકુંભ ઉમટશે

સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા નદી રામપુરાથી શહેરાવ સુધીના અંદાજે 7 કિલોમીટરના અંતરમાં ઉત્તર દિશા તરફ વહે છે, જેને 'ઉત્તરવાહિની' કહેવામાં આવે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 18 Mar 2026 09:03 AM (IST)Updated: Wed, 18 Mar 2026 09:03 AM (IST)
uttarvahini-narmada-parikrama-and-pandav-cave-rampura-spiritual-journey-guide

Uttarvahini Narmada Parikrama 2026: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ રામપુરા ઘાટથી આગામી 19 માર્ચથી પવિત્ર 'ઉત્તરવાહિની' નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધા, પૌરાણિક ઇતિહાસ અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમ સમાન આ યાત્રા 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. ચૈત્ર માસના વિશેષ અવસરે યોજાતી આ પરિક્રમામાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે.

ઉત્તરવાહિનીનું મહત્વ: આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર

સામાન્ય રીતે પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા નદી રામપુરાથી શહેરાવ સુધીના અંદાજે 7 કિલોમીટરના અંતરમાં ઉત્તર દિશા તરફ વહે છે, જેને 'ઉત્તરવાહિની' કહેવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નદીના દર્શન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે અન્ય નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, જ્યારે 'માતા રેવા'ના માત્ર દર્શન કરવાથી જ મનુષ્યના પાપોનું શમન થાય છે.

પાંડવ ગુફા અને પૌરાણિક વારસો

રામપુરા ઘાટ નજીક આવેલી પાંડવ ગુફા આ યાત્રાનું મુખ્ય આકર્ષણ છે. સ્થાનિક અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, 'મહાભારતકાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં વસવાટ કર્યો હતો અને સાત ગુફાઓ બનાવી ભગવાન શિવની સ્થાપના કરી હતી.' હાલમાં અહીં એક ગુફા અસ્તિત્વમાં છે, જ્યાં સ્થાપિત શિવલિંગ પ્રત્યે ભક્તો અપાર આસ્થા ધરાવે છે. અહીંની ભભૂતિ ધારણ કરવાથી શારીરિક અને માનસિક વ્યાધિઓમાં રાહત મળતી હોવાની લોકવાયકા છે.

પરિક્રમાનો માર્ગ અને ત્રિવેણી સંગમ

આ પવિત્ર યાત્રા રામપુરા પાસે આવેલા નર્મદા, કીડીમંકોડી અને ગુપ્ત ગોદાવરી નદીઓના ત્રિવેણી સંગમથી શરૂ થાય છે. કુલ 14 કિલોમીટરની આ પરિક્રમાનો રૂટ નીચે મુજબ છે:

પ્રથમ તબક્કો: રામપુરા ઘાટથી કીડીમંકોડી થઈ શેહરાવ ઘાટ સુધી (આશરે 7 કિ.મી.)

દ્વિતીય તબક્કો: નદી પાર કરી તિલકવાડા ઘાટથી રેંગણ ઘાટ થઈ ફરી રામપુરા ઘાટ પર પરિક્રમાની પૂર્ણાહુતિ (આશરે 7 કિ.મી.)

ટૂંકી પરિક્રમા, અનંત પુણ્ય

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, નર્મદાની સંપૂર્ણ પરિક્રમા અંદાજે 3500 કિલોમીટર લાંબી હોય છે. જોકે, ચૈત્ર માસ દરમિયાન આ 14 કિલોમીટરની ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.