Narmada: નર્મદા પંચકોશી પરિક્રમામાં અમદાવાદના યુવાનનું ભેદી મોત, પાર્કિંગમાંથી મળ્યો મૃતદેહ 

મૃતક CCTV ફૂટેજમાં શંકાસ્પદ પાવડર ખાતા દેખાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 10 Apr 2026 10:05 AM (IST)Updated: Fri, 10 Apr 2026 10:05 AM (IST)
narmada-panchkoshi-parikrama-ahmedabad-man-mysterious-death-in-rajpipla
HIGHLIGHTS
  • નર્મદા પરિક્રમામાં બની દુર્ઘટના
  • અમદાવાદના યુવાનનું ભેદી મોત
  • CCTV માં દેખાયો શંકાસ્પદ પાવડર

Narmada Parikrama Death: નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવા માટે આવેલા અમદાવાદના એક યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર રણછોડજી મંદિર પાસેના પાર્કિંગમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. જે બાદ તેમનું મોત નીપજ્યું હતું.

મિત્રો સાથે બીજીવાર પરિક્રમા કરવા ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર, 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સીમળાજ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. દેવલ સુથાર અગાઉ 4 એપ્રિલના રોજ પરિક્રમા કરીને અમદાવાદ પરત ફર્યા હતા, અને ફરીથી બીજીવાર પરિક્રમા કરવાની ઈચ્છા સાથે પોતાના મિત્રો સાથે આવ્યા હતા.

પાર્કિંગમાં બેભાન હાલતમાં મળી આવ્યા

પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તમામ મિત્રો રણછોડજી મંદિર પાસે બેઠા હતા, ત્યારે દેવલ લઘુશંકા કરવાનું કહીને પાર્કિંગ એરિયામાં ગયા હતા. લાંબા સમય સુધી તેઓ પરત ન આવતા મિત્રોએ શોધખોળ કરી હતી. આ દરમિયાન દેવલ પાર્કિંગમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

CCTV ફૂટેજમાં દેખાયા શંકાસ્પદ દ્રશ્યો

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ સફેદ પાવડર અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે CCTV ફૂટેજ તપાસતા તેમાં દેવલ સુથાર કોઈ સફેદ પાવડરનો ફાંકો મારીને પાણી પીતા અને ત્યારબાદ પાર્કિંગમાં ઉલટી કરતા જોવા મળ્યા હતા. આ શંકાસ્પદ પાવડર અને અન્ય વસ્તુઓને વધુ તપાસ માટે એફએસએલ (FSL) માં મોકલી દેવામાં આવી છે.

કેસમાં ગૂંચવણ અને આગળની કાર્યવાહી

મૃતકની સાથે આવેલા મિત્રો અને ફરિયાદીએ પોલીસને આપેલા નિવેદન મુજબ, કોઈ વ્યક્તિએ દેવલને બુંદી-સેવ ખવડાવી હતી, જેના પછી આ ઘટના બની હતી. જોકે, CCTV ફૂટેજને કારણે આ કેસ વધુ ગૂંચવાયો છે. દેવલે ઝેરી પાવડર ખાઈને આત્મહત્યા કરી છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પવિત્ર પરિક્રમા દરમિયાન બનેલી આ ગોઝારી ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે શોક અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.