Narmada Parikrama 2026: ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી એક મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ધાર્મિક આસ્થાનું અનોખું પ્રતિક બની રહી છે. 30 દિવસ સુધી ચાલતી આ પરિક્રમાને સુગમ અને સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
પરિક્રમાર્થીઓ માટે વ્યવસ્થા મજબૂત કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે હજારોની સંખ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26 માટે કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઉપલબ્ધ
આ અંતર્ગત ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, શુદ્ધ પીવાના પાણી માટે વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટ જેવી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ઉપરાંત વિશાળ વોટરપ્રૂફ ડોમ, આરામદાયક બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેથી પરિક્રમાર્થીઓ આરામદાયક રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત પરિક્રમા પૂર્ણ કરી શકે છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો
આ પરિક્રમા દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશભરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ગત વર્ષે સંખ્યા વધીને 10 લાખ સુધી પહોંચી
વર્ષ 2023ની વાત કરીઓ તો ઉત્તરોતર લાખોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. આંકડાઓ મુજબ વર્ષ 2024માં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી. જ્યારે ગત વર્ષે આ સંખ્યા વધીને 10 લાખથી વધુ પહોંચી હતી. આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 વધુ ભવ્ય અને સફળ બનાવવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.
