Chaitar Vasava Arrest: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ગતરોજ મોટી રાજકીય હલચલ સર્જાઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
મનસુખ વસાવાની પ્રતિક્રિયા
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ફરિયાદ ભાજપ પ્રેરિત નથી કે કોઈને હેરાન કરવાની મનોવૃત્તિથી નોંધાવાઈ નથી. પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે કાયદો હાથમાં લેવા કોઈને છૂટ આપી ન હતી. ચૈતર વસાવાનું પગલું રાજકીય રીતે ઊલટું પડ્યું એવું જોવા મળી રહ્યું છે. ચૈતરે જે કર્યું એ ઉતાવળિયું પગલું હતું.
ચૈતર વસાવાની ધરપકડ કરાઇ
તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ATVTની બેઠક દરમિયાન ચૈતર વસાવાએ તેમની પર છૂટો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ સાથે પણ ધારાસભ્યે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપમાન કર્યું હતું. ઘટનાને લઈને ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી ચૈતર વસાવાને કસ્ટડીમાં લીધો છે. ઘટનાને પગલે નર્મદા જિલ્લામાં કોઈ અશાંતિ ન સર્જાય, તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે.
આ મુજબ કલમો લાગી
ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ કેસે ગંભીર વળાંક લીધો છે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 79, 115(2), 118(1), 351(3), 352 અને 324(3) મુજબ ગુનાહીત કેસ દાખલ થયો છે.
પોલીસ આજે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં રજુ કરશે
તરફ ચૈતર વસાવાએ પણ પોલીસ પાસે પ્રતિ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાને લઈ ડેડીયાપાડા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. LCB તેમજ SRPની ટીમો તાત્કાલિક ખડકી દેવાઈ છે. હાલમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘર્ષણને લઈ તણાવનું વાતાવરણ સર્જાયું છે. મહત્વનું છે કે ATVT બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
