સાગબારામાં જંગલ જમીન વિવાદ ઉગ્ર: વન વિભાગે ખેડૂતોના બળદો જપ્ત કરતા આક્રોશ, મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 11:01 AM (IST)Updated: Mon, 28 Sep 2026 11:01 AM (IST)
sagbara-tribal-farmers-issue-mansukh-vasawa-land-dispute-news

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન અને આદિવાસી ખેડૂતોના અધિકારોનો મુદ્દો ફરી એકવાર અત્યંત ગંભીર બન્યો છે. સાગબારાના ખોપી સહિત 15 ગામોના આદિવાસીઓને વન વિભાગ દ્વારા ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે જમીન ખેડવા પહોંચેલા ખેડૂતોની સાથે તેમના બળદો પણ વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાને પગલે સમગ્ર ઉમરપાડા રેન્જ અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

લીલાબેન વસાવાએ મૂક્યો આક્ષેપ

અગાઉ બે મહિનાના આંદોલન બાદ સનદો આપવાની સરકારે ખાતરી આપી હોવા છતાં હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં ખોપી ગામે આદિવાસી આગેવાન લીલાબેન વસાવાની અધ્યક્ષતામાં ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વન અધિકારીઓ અને વહીવટી તંત્ર પર ખુલ્લેઆમ ભેદભાવનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

રાજ્ય વ્યાપી આંદોલનની ચીમકી

લીલાબેને આરોપ લગાવ્યો હતો કે, સનદ ધરાવતા ખેડૂતોને પણ ખેતી કરવા દેવામાં આવતી નથી અને તેમની જમીનો પર વન વિભાગે સાગના રોપા વાવી દીધા છે. ખેડૂતોને રોકવા માટે પોલીસ અને એસઆરપી તૈનાત કરવામાં આવી હોવાનો દાવો કરીને તેમણે ચેતવણી આપી હતી કે, જો એક અઠવાડિયામાં ન્યાય નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે.

મનસુખ વસાવાએ ખેડૂતો મુદ્દે અવાજ ઉઠાવ્યો

બીજી તરફ, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે ખેડૂતોના પક્ષે અવાજ ઉઠાવ્યો છે. તેમણે ફોરેસ્ટ વિભાગની કામગીરી અને "બેધારી નીતિ" પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જંગલ જમીનના દાવાઓની પ્રક્રિયામાં ફોરેસ્ટ અને આદિજાતિ વિભાગ તરફથી યોગ્ય માર્ગદર્શન કે સહાય મળતી નથી, પણ ઉલટાનું ખેડૂતોને ધમકાવવામાં આવે છે.

સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સાગબારાના આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જો ખેડૂતોને તેમનો હક નહીં મળે અને તેઓ ઉગ્ર લડત આપશે, તો તેઓ પોતાની જ સરકાર સામે જવું પડે તો પણ ખેડૂતોની પડખે જઈને ઊભા રહેશે. આ વિવાદ હવે દિલ્હી સુધી પહોંચવાની અને આગામી દિવસોમાં મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.