સરદાર સરોવર નર્મદા ડેમનો ઐતિહાસિક રેકોર્ડ: 6,909 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન, કિંમત જાણીને ચોંકી જશો!

નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર ડેમે 6,909 કરોડ યુનિટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું વીજ ઉત્પાદન કરીને ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. જાણો ઉત્પન્ન થયેલી વીજળી અને રાજ્યો વચ્ચે તેની વહેંચણી અંગે વિગતવાર માહિતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 11:44 AM (IST)Updated: Mon, 28 Sep 2026 11:44 AM (IST)
narmada-dam-power-generation-record-sardar-sarovar-hydro-electricity-production-news

Narmada Dam News: નર્મદા યોજના હેઠળના સરદાર સરોવર ડેમે દેશના ઊર્જા ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડેમ પર કાર્યરત રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન ચલાવીને અત્યાર સુધીમાં કુલ 69,091.76 મિલિયન યુનિટ, એટલે કે આશરે 6,909 કરોડ યુનિટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવ્યું છે. જો સરેરાશ ₹4 પ્રતિ યુનિટનો દર ગણીએ તો આ ઉત્પન્ન થયેલી વીજળીનું અંદાજિત મૂલ્ય ₹27,600 કરોડથી પણ વધુ થવા જાય છે, જે ગુજરાત અને દેશની હરિત ઊર્જા ક્ષમતાનો મોટો પુરાવો છે.

બંને પાવરહાઉસમાંથી સતત વીજઉત્પાદન

30 નવેમ્બર 2025 સુધીના સત્તાવાર આંકડા અનુસાર, ડેમ ખાતે આવેલા 1,200 મેગાવોટની ક્ષમતા ધરાવતા રિવરબેડ પાવર હાઉસમાંથી 54,676.18 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે, જ્યારે 250 મેગાવોટ ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,415.58 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન મેળવાયું છે. આમ, બંને પાવરહાઉસમાંથી સતત વીજ ઉત્પાદન કરીને પર્યાવરણ અનુકૂળ અને સસ્તી વીજળી ગ્રીડમાં પૂરી પાડવામાં આવી છે.

એક વર્ષમાં કેટલા ઘરોને મળી શકે વીજ પુરવઠો

આ મહાકાય વીજ ઉત્પાદનની ક્ષમતાનો અંદાજ મેળવીએ તો, ભારતમાં એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારનો સરેરાશ માસિક વીજ વપરાશ 200 યુનિટ એટલે કે, વાર્ષિક 2,400 યુનિટ ગણાય છે. આ હિસાબે નર્મદા ડેમમાંથી પેદા થયેલી વીજળીથી દેશના આશરે 2.87 કરોડ ઘરોને આખું વર્ષ અવિરત અને મફત વીજ પુરવઠો પૂરો પાડી શકાય તેમ છે. વધુમાં, જો 2.87 લાખ ઘરોને ગણતરીમાં લઈએ તો આ વીજળીથી તેમને સતત 100 વર્ષ સુધી પાવર સપ્લાય આપી શકાય છે.

વીજ ઉત્પાદન ગુજરાત માટે આશીર્વાદરુપ

આ વીજ જથ્થો ગુજરાત રાજ્યની આશરે 7 થી 8 મહિનાની કુલ વીજ જરૂરિયાત એકલા હાથે પૂરી કરવા માટે પૂરતો છે, જ્યારે ગુજરાતથી નાના રાજ્યો માટે તો આ વીજળી વધુ સમય માટે આશીર્વાદરૂપ બની શકે છે. પર્યાવરણપૂરક વાહનવ્યવહારના સંદર્ભમાં મૂલ્યાંકન કરીએ તો, આટલી ઊર્જાથી એક ઈલેક્ટ્રિક કારને આશરે 60,000 કરોડ કિલોમીટર સુધી ચલાવી શકાય તેટલો મોટો ઊર્જાનો જથ્થો ડેમ દ્વારા પેદા થયો છે.

વીજ પુરવઠો કેટલા રાજ્યોમાં વેંચાશે?

નર્મદા ડેમ ખાતે ઉત્પન્ન થતી આ હરિત અને સસ્તી વીજળીનો લાભ નિયમ મુજબ ત્રણ પડોશી રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે છે. નિર્ધારિત ભાગીદારી મુજબ આ વીજળીમાંથી સૌથી વધુ 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશને, 27 ટકા હિસ્સો મહારાષ્ટ્રને અને 16 ટકા હિસ્સો ગુજરાતને પ્રાપ્ત થાય છે. સરદાર સરોવર ડેમ માત્ર સિંચાઈ કે પીવાના પાણીની જરૂરિયાતો જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની ઊર્જા સુરક્ષાને સુદ્રઢ કરવામાં પણ અત્યંત મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.