રાજપીપળાથી યાત્રાધામ બેચરાજી માટે વિશેષ બસ સેવાનો પ્રારંભ: વડોદરા, અમદાવાદ અને કડી થઈને જશે બેચરાજી

નવરાત્રી અને દશેરા પર્વે રાજપીપળાથી બેચરાજી માટે GSRTC દ્વારા વિશેષ બસ સેવા શરૂ. સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 02:33 PM (IST)Updated: Sun, 11 Oct 2026 02:33 PM (IST)
rajpipla-to-becharaji-special-bus-service-gsrtc-navratri-dashera-timing-route
AI IMAGE

Rajpipla to Becharaji Bus Service: નર્મદા જિલ્લાના મુખ્ય બસ સ્ટેશન રાજપીપલા ખાતે ગ્રામ હાટના ઉદ્ઘાટન પ્રસંગે નવરાત્રી અને દશેરાના પાવન પર્વ નિમિત્તે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વિશેષ બસને સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન ભક્તો સરળતાથી ધાર્મિક સ્થળોએ પહોંચી શકે તે હેતુથી GSRTC ભરૂચ વિભાગ દ્વારા રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ અમદાવાદ, ડભોઈ, વડોદરા, રાણીપ, છત્રાલ અને કડી સહિતનાં સ્થળો થઈને જશે.

આ અંગે ભરૂચના યાંત્રિક ઇજનેર જી.કે. પટેલે જણાવ્યું હતું કે, આ વિશેષ બસ રાજપીપળા બસ સ્ટેશનથી બપોરે 12:00 કલાકે ઉપડશે. આ બસ સેવાના માધ્યમથી નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન બેચરાજી જવા ઇચ્છતા ભાવિક ભક્તોને મુસાફરીમાં સુવિધા મળશે. તેમણે ભાવિક ભક્તોને આ વિશેષ બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.

વધુમાં જણાવ્યું કે, આ વિશેષ બસ સેવા માત્ર નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન જ કાર્યરત રહેશે. આ વેળાએ નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા. ઇન્ચાર્જ નિયામક ડી.આર.ડી.એ. પિનાકીની ભગોરા સહિત એસટી ડેપો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.