PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ 15મી નવેમ્બરે આદિવાસી સમાજના 'ભગવાન' ગણાતા સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવવાનો છે. વડાપ્રધાન મોદી આ દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના છે. તેમનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે, જેમાં તેઓ સવારે સુરત પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર મારફત ડેડિયાપાડા જશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ડેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમા સ્થળેથી થશે શરૂઆત
ગુજરાત સરકારે અંગ્રેજો સામે લડત આપનારા આદિવાસી નેતા બિરસા મુંડાના સન્માનમાં ડેડિયાપાડા ખાતે પ્રતિમા સ્થાપિત કરી છે. આ જ પવિત્ર સ્થળેથી 150મી જન્મ જયંતીની ઉજવણીનો શુભારંભ થશે. રાજ્ય સરકારે તેના આ વર્ષના બજેટમાં આ ભવ્ય ઉજવણી માટે ખાસ નાણાકીય જોગવાઈ પણ કરી છે. આ સાથે, સરકારે આદિજાતિ વિસ્તારોમાં વિકાસને વેગ આપવા માટે 'ન્યૂ ગુજરાત પેટર્ન' યોજના હેઠળ શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 1,100 કરોડની મોટી ફાળવણી કરી છે.
કેવડિયામાં 'ભારત પર્વ'ના અંતિમ દિવસે 'જનજાતિય દિવસ'
ઉલ્લેખનીય છે કે, હાલમાં કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના સંદર્ભમાં 'ભારત પર્વ'ના નામે પંદર દિવસ માટે આનંદ મેળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મેળાના છેલ્લા દિવસે એટલે કે 15મી નવેમ્બરે જ 'જનજાતિય દિવસ' તરીકે બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ તાજેતરમાં જ 30-31 ઓક્ટોબરના રોજ કેવડિયાની મુલાકાત લઈને ગયા હતા. આ મુલાકાત આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી પેદા કરશે.
