PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ માદરે વતન ગુજરાતમાં બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પશુપાલન તથા ડેરી ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જ્યારે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે.
બનાસ ડેરીના બોવાઈન બ્રિડીંગ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન
આ પણ વાંચો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત બોવાઈન બ્રિડીંગ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. આ અત્યાધુનિક રિસર્ચ સેન્ટર શરૂ થવાથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના પશુપાલકોને ઉત્તમ ઓલાદના પશુઓની નસલ સુધારણા અને દૂધ ઉત્પાદન વધારવામાં મોટી મદદ મળશે. બનાસ ડેરીના આ પ્રકલ્પના લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી જનમેદની અને પશુપાલકોને સંબોધિત પણ કરશે.
કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ
ડીસાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ 30 ઓક્ટોબરે મોડી સાંજે વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે પહોંચશે. કેવડિયા ખાતે તેઓ સાંજે આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રિ રોકાણ પણ એકતા નગર ખાતે જ કરશે. ત્યારબાદ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજીત ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી એકતા પરેડની સલામી ઝીલશે. બે દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ વિકાસલક્ષી અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કાર્યક્રમો પૂરા કર્યા બાદ 31 ઓક્ટોબરે મોડી સાંજે વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ વિમાન માર્ગે પુનઃ નવી દિલ્હી જવા માટે રવાના થશે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસને ધ્યાને રાખીને ડીસા, કેવડિયા અને વડોદરામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુમાં, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
