Journey of National Unity:નવરાત્રિના આઠમા નોરતાના પાવન અવસરે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતી રાષ્ટ્રીય એકતા દિવસની આઠ વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી ફરી જીવંત બની છે. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૩૧ ઓક્ટોબરે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની વર્ષ 2018થી 2025 સુધીની તસવીરો ઐતિહાસિક પળોને કાયમી સંભારણાંમાં જાળવી રાખે છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ, સરદાર પટેલને પુષ્પાંજલિ, સુરક્ષા દળોની શિસ્તબદ્ધ એકતા પરેડ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની તસવીરો આ આઠ વર્ષની સફરનો ઐતિહાસિક દસ્તાવેજ બન્યો છે. આ તસવીરો માત્ર ઉજવણીની ઝલક નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પની ભાવનાનું પ્રતીક છે.
નોંધનીય છે કે, આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આશરે 25 હજાર લોકો સહભાગી બનશે. પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે 10 હજાર જવાનોની ભવ્ય પરેડ યોજાશે, જ્યારે દેશનાં વિવિધ રાજ્યોના આશરે 4,700 કલાકારો સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતની ‘એકતામાં વિવિધતા’ની ઝાંખી રજૂ કરશે.
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવના આ મહાપર્વમાં સહભાગી બની એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા નાગરિકોને આહ્વાન કરવામાં આવે છે. એકતા પરેડમાં જોડાવા ઇચ્છુક નાગરિકો માટે વિશેષ વેબસાઇટ www.rashtriyaektadiwas.com શરૂ કરવામાં આવી છે. નાગરિકો આ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી જરૂરી માહિતી ભરી શકશે તેમજ આવશ્યક દસ્તાવેજો અપલોડ કરી શકશે.
