National Unity Day 2026: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31મી ઓક્ટોબરે એકતાનગર (કેવડિયા) ખાતે યોજાનારા 'રાષ્ટ્રીય એકતા દિવસ-2026'ની ઉજવણીને ઐતિહાસિક અને અવિસ્મરણીય બનાવવા માટે પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ આખરી ઓપમાં છે.
પ્રથમ વખત સાંજે યોજાશે મહાપર્વ: 25 હજાર નાગરિકો બનશે સાક્ષી
આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એક નવો ઈતિહાસ રચાશે. પ્રથમ વખત આ ઉજવણી સાંજના સુવર્ણ સમયે યોજવામાં આવશે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં દેશના ખૂણે-ખૂણેથી અંદાજે 25,000થી વધુ નાગરિકો સહભાગી બનશે. વીવીઆઈપી (VVIP) મહાનુભાવોથી લઈને સામાન્ય જનતા એક જ મંચ પર સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને નમન કરશે.
નદીઓના નામે રચાશે બેઠક વ્યવસ્થા
આ વર્ષના આયોજનનું મુખ્ય આકર્ષણ અહીંની વિશેષ બેઠક વ્યવસ્થા બનશે. ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિ અને રાષ્ટ્રીય એકતાનો પ્રતીકાત્મક સંદેશ આપવા માટે સમગ્ર બેઠક વ્યવસ્થાને દેશની પવિત્ર અને પ્રખ્યાત નદીઓના નામ આપવામાં આવ્યા છે. ભારતની નદીઓ માત્ર જળસ્રોત નથી, પરંતુ સંસ્કૃતિ અને જનજીવનને જોડતી જીવંત ધારા છે, જે અહીં વિવિધતામાં એકતાનો સુંદર સંદેશ આપશે.
દેશ અને ગુજરાતની સમૃદ્ધ નદી સંસ્કૃતિનો સંગમ
બેઠક વ્યવસ્થામાં દેશના તમામ ખૂણામાં વહેતી પવિત્ર નદીઓના નામોનો સમાવેશ કરાયો છે-
રાષ્ટ્રીય નદીઓ: ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્રા, સરયુ, શિપ્રા, સરસ્વતી, ગોમતી અને બિયાસ.
ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ: નર્મદા, તાપી, મહિ, સાબરમતી, ઓરસંગ, વાત્રક, કરજણ, વિશ્વામિત્રી, અંબિકા, ભાદર, પૂર્ણા અને મચ્છુ.
આ ઉપરાંત, મુખ્ય માર્ગની બંને બાજુએ પણ વ્યવસ્થિત રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક નાગરિક આ કાર્યક્રમનો આનંદ સહજતાથી માણી શકે.
એક ભારત, શ્રેષ્ઠ ભારતનો પ્રતીકાત્મક સંદેશ
દેશના જુદા જુદા પ્રદેશોમાંથી આવતા નાગરિકો જ્યારે વિવિધ નદીઓના નામે બનેલા બ્લોકમાં એકસાથે બેસશે, ત્યારે રાષ્ટ્રીય અખંડિતતા અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બનશે. એકતાનગર ખાતે યોજાનાર આ ભવ્ય આયોજન દેશવાસીઓમાં દેશપ્રેમ, એકતા અને સરદાર સાહેબના સંકલ્પોને પુનર્જીવિત કરવાનું એક વિશિષ્ટ માધ્યમ બનશે.
