Rashtriya Ekta Diwas 2026: ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–2026ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે.
ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ
આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવી રહી છે. પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો, વિવિધ રાજ્યોના પોલીસ દળો, કલાકારો તથા વિવિધ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને રાષ્ટ્રીય એકતાના વૈવિધ્યસભર રંગોનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે.
પરેડ દરમિયાન મુખ્ય આકર્ષણો
- પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે 10,000 જવાનોની ભવ્ય પરેડ
- દેશના વિવિધ રાજ્યોના આશરે 4,700 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ
- ભારતીય વાયુસેના દ્વારા શાનદાર ફ્લાયપાસ્ટ
- વિવિધ બેન્ડ દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ
- PMનું સંબોધન
આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય, આકર્ષક અને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી દરમિયાન ભારતની એકતા, શક્તિ, અખંડિતતા અને વિવિધતામાં એકતાની ભાવનાનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે.
નાગરિકો પણ બની શકશે રાષ્ટ્રીય એકતા પરેડના સાક્ષી
રાષ્ટ્રીય એકતા દિવસ–2026ની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગત વર્ષની જેમ આ વર્ષે નાગરિકોને પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહીને આ ભવ્ય રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનવાની અનમોલ તક મળી છે.
આ માટે વિશેષ વેબસાઈટ www.rashtriyaektadiwas.com લોન્ચ કરવામાં આવી છે. નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી જરૂરી માહિતી તથા દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓથોરિટી દ્વારા નોંધાયેલા ઈ-મેઈલ સરનામે કન્ફર્મેશન/એન્ટ્રી પાસ મોકલવામાં આવશે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે કરવામાં આવશે.
પ્રસ્તાવિત પરેડ રૂટ
પરેડનો પ્રારંભ નર્મદા માતા પ્રતિમા થી રેપ્લિકા ગાર્ડન, SRP કોલોની નજીક પૂર્ણ થશે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘ડોમ સિટી’માં વિશેષ રહેણાક વ્યવસ્થા
રાષ્ટ્રીય એકતા દિવસ–2026 તથા તા. 1 નવેમ્બર 2026 થી તા. 15 નવેમ્બર 2026 દરમ્યાન આયોજિત ભારત પર્વ–2026માં ભાગ લેવા અને આ ભવ્ય ઉજવણીનો અનુભવ કરવા આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા એકતા નગર ખાતે વિશેષ ‘ડોમ સિટી’ વિકસાવવાનું આયોજન છે, આ રહેણાક સુવિધા 29 ઓક્ટોબર, 2026થી 15 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.પ્રવાસીઓ માટે ઉપલબ્ધતાના આધારે વિવિધ રહેણાક વિકલ્પોનું બુકિંગ કરી શકાશે. રહેણાક બુકિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
CEOની નાગરિકોને સહભાગી થવા અપીલ
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે- આપણા સૌ માટે આ વર્ષ અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ છે. આધુનિક ભારતના શિલ્પી અને રાષ્ટ્રની એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ઉજવણી એકતાનગર ખાતે ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ વર્ષે નાગરિકોને રાષ્ટ્રીય એકતા પરેડમાં સહભાગી થવાની તક આપવામાં આવી છે. આ માટે ખાસ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. તમામ નાગરિકોને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગમાં સહભાગી થવા અપીલ કરું છું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ઉજવણી
એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ–2026ની ભવ્ય ઉજવણી ભારતની એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, શક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક બની રહેશે.આ ભવ્ય રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થઈને દેશની એકતા અને અખંડિતતાના આદર્શોને વધુ મજબૂત બનાવવા સૌ નાગરિકોને એકતાનગર ખાતે જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.
