નવા વર્ષની ઉજવણીમાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુપરહિટ: 6 દિવસમાં 5 લાખ પ્રવાસી નોંધાયા

હાલની સ્થિતિએ એકતાનગરની તમામ હોટલો, હોમ-સ્ટે તેમજ ટેન્ટ સિટી સંપૂર્ણપણે ‘હાઉસફુલ’ થઈ ગયા છે,  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 30 Dec 2025 02:42 PM (IST)Updated: Tue 30 Dec 2025 02:42 PM (IST)
new-year-2026-celebrations-at-statue-of-unity-5-lakh-tourists-registered-in-6-days-664676
HIGHLIGHTS
  • નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે એકતાનગર
  • પ્રવાસીઓની પ્રથમ પસંદ બની ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’
  • પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર ખડેપગે

Statue of Unity: વર્ષ 2025 ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ (એકતાનગર) દેશ-વિદેશના પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે. નાતાલની રજાઓથી શરૂ થયેલો પ્રવાસીઓનો અવિરત પ્રવાહ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલની સ્થિતિએ એકતાનગરની તમામ હોટલો, હોમ-સ્ટે તેમજ ટેન્ટ સિટી (SoU Tent City) સંપૂર્ણપણે ‘હાઉસફુલ’ થઈ ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવી માહોલમાં તરબોળ બન્યો છે.

6 દિવસમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા

છેલ્લા છ દિવસમાં જ અંદાજે પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે. શનિવારે આશરે 50 હજાર અને રવિવારે 70 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સત્તામંડળ દ્વારા વ્યુઈંગ ગેલેરીના સ્લોટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દરરોજ કુલ 7,000 પ્રવાસીઓ પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરી (Viewing Gallery) નો લાભ લઈ શકશે. 4 જાન્યુઆરી સુધીની ઓનલાઇન ટિકિટ પણ પહેલાથી જ ફૂલ થઈ ગઈ છે.

ક્રૂઝ ડિનર, લેસર શો, ગાલા નાઈટ આકર્ષણનું કેન્દ્ર

નવા વર્ષની રાત્રિને યાદગાર બનાવવા માટે એકતાનગરની લક્ઝરી હોટલો અને ટેન્ટ સિટી દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ગાલા ડિનર, ડીજે પાર્ટી, લાઈવ મ્યુઝિક અને મ્યુઝિકલ નાઈટ જેવા કાર્યક્રમો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. નર્મદાના નીરમાં ક્રુઝ ડિનર (Cruise dinner) અને ડાન્સ પાર્ટીનું વિશેષ આકર્ષણ પણ લોકોમાં લોકપ્રિય બન્યું છે. સાથે જ આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતા ખાસ મેનુ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓની સુવિધા માટે મહત્તમ વ્યવસ્થા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું હતું કે, “પ્રવાસીઓની સુવિધા માટે મહત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવહન સુગમ બને તે માટે વધારાની ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવી રહી છે અને ટિકિટ વિન્ડોથી લઈને પ્રતિમા સુધી પ્રવાસીઓનું યોગ્ય મેનેજમેન્ટ થાય તે માટે વિશેષ સ્ટાફ તહેનાત છે. 31 ડિસેમ્બરની ઉજવણી યાદગાર બને તે માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.”

રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું કે, “અમારી હોટલમાં પ્રવાસીઓ માટે ખાસ ગાલા ડિનર અને લાઈવ મ્યુઝિકનું આયોજન કરાયું છે. મહેમાનો આ વર્ષની છેલ્લી સાંજ આનંદપૂર્વક માણી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ છે.”

પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર ખડેપગે

બીજી તરફ, નવા વર્ષની ઉજવણી અને વેકેશનને પગલે વધેલી ભીડને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એકતાનગરથી સેલંબા સુધીના મુખ્ય માર્ગો, પાર્કિંગ વિસ્તાર અને ભીડવાળા સ્થળોએ જિલ્લા પોલીસ, CISF અને SRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. CCTV દ્વારા કંટ્રોલરૂમથી સતત મોનિટરિંગ, વાહન ચેકિંગ, પેટ્રોલિંગ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમો (QRT) સક્રિય રાખવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર રાત-દિવસ ખડેપગે કાર્યરત છે.