Narmada: નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો માહોલ ગરમાયો, શ્રદ્ધાળુઓ અને સેવકો ધરણા પર બેઠા; જાણો શું છે મામલો...

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Mar 2026 12:34 PM (IST)Updated: Sun, 29 Mar 2026 12:35 PM (IST)
narmada-uttarvahini-parikrama-mandatory-online-registration-protest-in-tilakwada
HIGHLIGHTS
  • નર્મદા પરિક્રમા માટે ઓનલાઈન નોંધણી  
  • તિલકવાડામાં નવા નિયમ સામે વિરોધ
  • શ્રદ્ધાળુઓ અને સેવકો ધરણા પર બેઠા

Narmada Parikrama registration protest: વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાગત ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે આ વર્ષે ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જોકે, આ નિયમોને કારણે શ્રદ્ધાળુઓ અને સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સેવાભાવીઓ અને ગ્રામજનો ધરણા પર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

હવે ઓનલાઈન નોંધણી ફરજિયાત

ગત શનિ-રવિવારના રોજ નર્મદાની પંચકોશી પરિક્રમા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે રજાના દિવસો સિવાય માત્ર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ જ પરિક્રમા કરવા માટે તંત્ર દ્વારા ફરજિયાત તાકીદ કરવામાં આવી છે. જોકે, આ નિર્ણય હવે શ્રદ્ધાળુઓ માટે મુસીબત ઊભી કરી રહ્યો છે.

નવો નિયમ બન્યો માથાનો દુખાવો

દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માતા નર્મદાની પગપાળા પરિક્રમા પૂર્ણ કરવા આવે છે, જેમાં મોટાભાગે વૃદ્ધો, ગરીબ પરિવારો, સાધુ-સંતો અને અભણ વ્યક્તિઓ જોડાય છે. આ પરિક્રમાર્થીઓ પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા હોતી નથી, અને તેઓ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજી શકતા નથી. ત્યારે આ નવો નિયમ આવા લોકો માટે સમસ્યા બનીને સામે આવ્યો છે.

શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, નોંધણી ન હોવાને કારણે અનેક પરિક્રમાર્થીઓને રસ્તામાં પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે, અને પૂછપરછ કરી તેમની પરિક્રમામાં અડચણ ઊભી કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ પ્રક્રિયા તેમની આસ્થાને ઠેસ પહોંચાડે છે, અને યાત્રાને વ્યવસ્થિત બનાવવાને બદલે વધુ ગૂંચવણભરી બનાવી રહી છે.

કુંભમેળા સાથે કરી સરખામણી

લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જ્યારે કુંભમેળા જેવા વિશાળ ધાર્મિક મેળામાં કરોડો લોકો સ્નાન કરે છે, ત્યાં કોઈ ઓનલાઈન નોંધણી ફરજિયાત રાખવામાં આવતી નથી. તો પછી નર્મદા પરિક્રમા જેવી શાંતિપૂર્ણ અને શ્રદ્ધાભરી યાત્રામાં આવી ફરજિયાત નોંધણી લાદવી એ તદ્દન અનુચિત નિર્ણય છે.

નિયમોમાં વિચારણા કરવા માંગ

તંત્રની કડકાઈ અને ઓનલાઈન નોંધણીની ટેકનિકલ સમસ્યાના કારણે, હાલ પરિક્રમાના મધ્ય દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ મુશ્કેલીને કારણે પરિક્રમા શરૂ કરતાં પણ ડરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ અને સેવકો માંગ કરી રહ્યા છે કે પરંપરાગત યાત્રાને સરળ બનાવવા માટે તંત્ર આ નિયમોમાં તાત્કાલિક વિચારણા કરે.