નર્મદા: સાગબારા જંગલ જમીન આંદોલનનો 25મા દિવસે સુખદ અંત, વન મંત્રીએ લીલાબેન વસાવાને પારણા કરાવ્યા

વન મંત્રી પ્રવિણ માળીના હસ્તે અગ્રણી લીલાબેન વસાવાના પારણા કરાવ્યા બાદ ધરણા સમેટાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 01 Sep 2026 01:09 PM (IST)Updated: Tue, 01 Sep 2026 01:15 PM (IST)
narmada-sagbara-forest-land-protest-ends-lilaben-vasava-hunger-strike-update
Sagbara Forest Land Protest

Sagbara Forest Land Protest: નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ ગણાતા સાગબારા તાલુકામાં છેલ્લા 25 દિવસથી જંગલ જમીનના ખેડાણ અને માલિકી હક્કોના પ્રશ્ને ચાલી રહેલા વિવાદનો આખરે અંત છે. વન મંત્રી પ્રવિણ માળીએ સ્વયં સાગબારા સ્થળ પર પહોંચી આમરણ ઉપવાસ પર બેઠેલા લીલાબેન વસાવાના પારણા કરાવી આંદોલનને વિરામ અપાવ્યો હતો.

શું હતું સાગબારા જંગલ જમીન આંદોલન?

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સ્થાનિક આદિવાસી ખેડૂતો દ્વારા પોતાની પરંપરાગત જંગલ જમીનના હક્કો મેળવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા પચ્ચીસ દિવસથી સાગબારા ખાતે ચાલી રહેલા આ આંદોલને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું.

આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીન પર તેમનાકાયદેસરનાહક્ક મેળવવા, ખેડાણ અટકાવવાની નોટિસ રદ કરાવવા અને PESA કાયદાના અમલ સહિતની વિવિધ માંગણી સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી. આ લાંબા અને સંઘર્ષયુક્ત ધરણા દરમિયાન આંદોલનના મુખ્ય ચહેરા અને આગેવાન લીલાબેન વસાવાએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

આમરણ ઉપવાસ પર બેઠેલા લીલાબેન વસાવા 

સાગબારા જંગલ જમીન આંદોલન અને લીલાબેન વસાવાના ઉપવાસ આંદોલનના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ આંદોલનની ગંભીરતાને પારખીને રાજ્યભરમાંથી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, ધારાસભ્યો અને સામાજિક કાર્યકરોએ સાગબારાના ધરણા સ્થળે રૂબરૂ આવી આદિવાસી ખેડૂતોની લડતને મજબૂત સમર્થન પૂરું પાડ્યું હતું.

આદિવાસી ખેડૂતોના રોષ અને આંદોલનની વ્યાપકતાને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી અને ઉચ્ચ સ્તરે મંત્રણાનો દોર શરૂ થયો હતો. આંદોલન કરતા લોકોની મુખ્ય માંગણી અને જંગલ જમીનના પ્રશ્નોના નિરાકરણ અંગે સરકારના પ્રતિનિધિઓ અને આંદોલન સમિતિ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી. 

25મા દિવસે આદિવાસી આંદોલનનો સુખદ અંત

ગુજરાત સરકાર તરફથી હક્કોની સુરક્ષા અને પ્રશ્નોના યોગ્ય નિકાલ માટેની ખાતરી મળ્યા બાદ, આંદોલનકારીઓએ સર્વસંમતિથી ધરણા આંદોલન સમેટવાનો નિર્ણય લીધો હતો. આજે વન મંત્રી પ્રવિણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં અને સરકાર સાથે થયેલી સકારાત્મક બેઠક બાદ, લીલાબેન વસાવાએ જ્યુસ પીને પોતાના ઉપવાસ છોડ્યા અને મંત્રીએ તેમને પારણા કરાવ્યા હતા.

આ સાથે જ પચ્ચીસ દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને તણાવનો અંત આવ્યો હતો. જોકે, આ આંદોલન ભલે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું હોય, પરંતુ આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓ, ખેડાણની પરવાનગીઓ અને તેમના પરંપરાગત હક્કોના કાયમી નિરાકરણ માટે સરકાર આગામી સમયમાં કેવા નક્કર પગલાં ભરે છે અને વચનો કેટલા જલ્દી અમલમાં મૂકે છે, તેના પર હવે સમગ્ર પંથક અને આદિવાસી સમાજની મીટ નમી રહી છે.