Narmada: પવિત્ર નર્મદા પંચકોશી પરિક્રમાનો 19 માર્ચથી પ્રારંભ, 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

પરિક્રમામાં શ્રદ્ધાળુઓને રહેવા-જમવા અને સુરક્ષાને લઈને વહીવટ તંત્રએ વ્યવસ્થા કરી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Mar 2026 11:54 AM (IST)Updated: Sat, 14 Mar 2026 11:54 AM (IST)
narmada-panchkoshi-parikrama-from-march-19th-arrangements-preparation
HIGHLIGHTS
  • 19 માર્ચથી નર્મદા પંચકોશી પરિક્રમાનો પ્રારંભ
  • 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ
  • વહીવટી તંત્રએ વ્યવસ્થા-તૈયારીઓ હાથ ધરી

Narmada Panchkoshi Parikrama 2026: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા રામપુરાના કીડીમંકોડી ઘાટથી આગામી 19 માર્ચથી પવિત્ર નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થવાનો છે. ચૈત્ર મહિનામાં યોજાતી આ ઉત્તરવાહીની નર્મદા પંચકોશી પરિક્રમા લગભગ એક મહિના સુધી ચાલશે, જેમાં અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવો અંદાજ છે.

યાત્રાળુઓ માટે તડામાર તૈયારીઓ

આટલી મોટી સંખ્યામાં આવનારા યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ સુવિધાઓ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ખાસ ડોમ, બેરિકેટિંગ, લાઇટિંગ, જેટી, ઘાટોની વ્યવસ્થા તેમજ બેસવા અને આરામ કરવા માટેની વિશેષ સગવડો ઉભી કરવામાં આવી રહી છે.

આધુનિક અને સુરક્ષિત સુવિધાઓ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે મંડપ, છાંયડાની વ્યવસ્થા, પંખા, ચેન્જિંગ રૂમ, સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી (બોટિંગ) સેવા, લાઇટિંગ, સાઇન બોર્ડ, માઇક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવાઓ અને પીવાના શુદ્ધ પાણીની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરિક્રમા માર્ગનું ઝીણવટભર્યું નિરીક્ષણ

આ તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળાએ અન્ય અધિકારીઓ સાથે પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તિલકવાડા, રેંગણઘાટ અને મણિનાગેશ્વર જેવા મહત્વપૂર્ણ સ્થળોએ યાત્રાળુઓ માટે વોશરૂમ, બેસવાની વ્યવસ્થા અને આરામ માટે પૂરતી સુવિધા ઉભી કરવા સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપી હતી.

સ્વચ્છતા-પાર્કિંગ માટે અલગથી આયોજન

ખાસ કરીને રામપુરા ઘાટ ખાતે જેટી, સ્વચ્છતા અને પાર્કિંગની સુવિધા સુચારુ રીતે ઉભી થાય તે માટે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સલામતી અને પાર્કિંગ માટે પણ અલગથી આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરિક્રમાર્થીઓની અવરજવર સરળ બને અને સમગ્ર વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિરીક્ષણ દરમિયાન પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, પ્રાંત અધિકારી પ્રસંજીત કૌર, પ્રાંત અધિકારી જુહી પાંડે, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ અને નાયબ કલેક્ટર પ્રોટોકોલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.