Narmada: તિલકવાડાના આસીત્રા ગામમાં દીપડાનો આતંક, 5 વર્ષીય બાળકને ગળાથી પકડીને કપાસના ખેતરમાં ખેંચી ગયો

બૂમો સાંભળીને દોડી આવેલા પિતા દીપડાના જડબામાં પુત્રને જોઈને ચોંકી ઉઠ્યા, પછી હિંમત દાખવી પ્રતિકાર કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Dec 2024 05:50 PM (IST)Updated: Sat, 07 Dec 2024 05:50 PM (IST)
narmada-news-leopard-attack-on-5-years-old-boys-in-aasitra-village-of-tilakwada
HIGHLIGHTS
  • પિતાએ દોટ મૂકતા દીપડો બાળકને મૂકીને ભાગ્યો

Narmada: માનવ વસ્તીનો વધારો થતા અને જંગલોનો નાશ થતા હવે દીપડા જેવા વન્ય પ્રાણીઓ અવારનવાર માનવ વસ્તીમાં દેખા દઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના 5 વર્ષીય માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના ખાટા આસિત્રા ગામે રહેતા પરિવારના પાંચ વર્ષીય બાળક સ્મિત બારીયા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખુંખાર દીપડો સ્મિતને ગળાના ભાગેથી દબોચી 50 ફૂટ દૂર કપાસના ખેતરમાં ખેંચી ગયો હતો.

આ સમયે સ્મિતની બૂમાબૂમ સાંભળીને તેના પિતા દોડી આવ્યા હતા. જેમણે દીપડાના જડબામાં પુત્રને જોતા ચોંકી ઉઠ્યા હતા. જે બાદ હિંમત દાખવીને દીપડા પાછળ દોટ મૂકતા દીપડો તેમના દીકરાને છોડીને ભાગી છૂટ્યો હતો.

આ હુમલા સ્મિતને ગળાના ભાગે દીપડાના તિક્ષ્ણ દાંત વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બાળકને સૌ પ્રથમ તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર જણાતા રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ ઈજાગ્રસ્ત બાળકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.