Narmada: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓલગામ ખાતે ઉકાઈ ડેમમાં પ્રસ્તાવિત પ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને જંગલની જમીન ખેડતા ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ, તેમની સમસ્યા સમજી હતી.
પોતાની મુલાકાત દરમિયાન ચૈતર વસાવાએ જણાવ્યું કે, આગામી સમયમાં સોલાર પ્રોજેક્ટ, સાપુતારાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોરિડોર, હાઈસ્પીડ કોરિડોર, હાઉસિંગ સોસાયટી તથા અભ્યારણ જેવા અનેક પ્રોજેક્ટ આવી રહ્યા છે.
1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટના વિરોધ દરમિયાન 18 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે, જે ચિંતાજનક બાબત છે. તેમણે કહ્યું કે વિકાસ પ્રોજેક્ટોના નામે જો લોકોના અધિકારો પર અસર થતી હોય તો સમાજે એકજૂથ બની પોતાની વાત મજબૂત રીતે રજૂ કરવી જરૂરી છે. આવનારા સમયમાં સોલાર પ્રોજેક્ટ, સાપુતારાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોરિડોર, હાઈસ્પીડ કોરિડોર, હાઉસિંગ સોસાયટી તથા અભ્યારણ જેવા અનેક પ્રોજેક્ટ આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉકાઈ, કેવડિયા સહિત જ્યાં પણ અસર પડશે ત્યાં સૌએ એકસાથે ઉપસ્થિત રહેવાની અપીલ તેમણે કરી હતી. કોઈ પણ સ્થળે આદિવાસી જમીન સંબંધિત પ્રશ્ન ઊભો થાય તો સમાજ સાથે ઊભા રહેવાનો વિશ્વાસ પણ તેમણે આપ્યો હતો.
"આપણી જમીન, જંગલ અને અસ્તિત્વ બચાવવા માટે બંધારણે આપેલા અધિકારો પ્રત્યે જાગૃત થવું અનિવાર્ય છે. જ્યારે પણ આદિવાસીઓની જમીન છીનવવાનો પ્રયાસ થશે, ત્યારે આપણે પક્ષ કે પદ ભૂલીને એકતાથી અવાજ ઉઠાવવો પડશે."
ગાંધીનગરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સમગ્ર ગુજરાતના આદિવાસીઓને એકત્ર કરીને ન્યાય માટે રજૂઆત કરવાની યોજના છે. આ કાર્યક્રમ કોઈ સાથે સંઘર્ષ માટે નહીં પરંતુ એકતા દર્શાવીને માંગણીઓ રજૂ કરવા માટે હશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. અગાઉ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે થયેલા આંદોલનનો ઉલ્લેખ કરીને તેમણે એકતાની શક્તિ ઉપર ભાર મૂક્યો હતો.
દેશના વિવિધ રાજ્યોમાં જળ, જંગલ અને જમીનને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે.આવા મુદ્દાઓમાં શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખવી અને એક બેનર હેઠળ એકજૂથ થઈ આગળ વધવું સમયની જરૂરિયાત છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોની સાથે તેમની ટીમ સતત સંપર્કમાં રહેશે અને કાયદાકીય તથા લોકશાહી રીતે ન્યાય મેળવવા પ્રયાસ ચાલુ રાખશે.
