Narmada News:એકતાનગર ખાતે નારી શક્તિ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીનો પ્રેરણાદાયી સંવાદ યોજાયો

એકતાનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવતી મહિલાઓ સાથે સંવાદ કર્યો. તેમણે મહિલાઓના આત્મનિર્ભરતાના પ્રયાસોને બિરદાવ્યા અને નારી સશક્તિકરણ દ્વારા સમાજ તથા રાષ્ટ્રના સશક્તિકરણ પર ભાર મૂક્યો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 11:38 PM (IST)Updated: Sun, 13 Sep 2026 11:38 PM (IST)
narmada-news-an-inspiring-interaction-between-the-union-minister-of-state-and-women-representatives-was-held-at-ekta-nagar

Narmada News:એકતાનગર ખાતે નારી શક્તિના આત્મનિર્ભરતા તરફના સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહેલી મહિલા ચાલક બહેનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ મહિલાઓના આત્મનિર્ભરતા તરફના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત. તેમણે જણાવ્યું કે, મહિલાઓ જ્યારે પોતે પગભર બનીને પરિવારની જવાબદારી નિભાવે છે ત્યારે તે માત્ર પોતાના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપે છે.

મંત્રીએ પિંક ઈ-રિક્ષા ચલાવી રહેલી બહેનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ કામ નાનું નથી હોતું. જીવનમાં કરવામાં આવતું દરેક કામ મહેનત, હિંમત અને આત્મવિશ્વાસથી કરવામાં આવે તો તે ગૌરવપૂર્ણ બની જાય છે. દરેક વ્યક્તિએ પોતાના કામને શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે ત્યારે સમાજ પણ તેની નોંધ લે છે. આજે દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો એકતાનગર ખાતે પિંક ઈ-રિક્ષાના આ મોડલનો અભ્યાસ કરવા આવી રહ્યા છે, જે આ પહેલની સફળતા અને તેની પ્રેરણાદાયી અસર દર્શાવે છે.

પિંક ઈ-રિક્ષા ચલાવીને રોજગારી મેળવી રહેલી બહેનોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, તમે રિક્ષા ચલાવો છો તે માત્ર રોજગાર નથી, પરંતુ તમારા બાળકો માટે પણ એક મોટી પ્રેરણા છે. માતાને મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જોઈને બાળકોમાં પણ જીવનમાં આગળ વધવાની અને કંઈક બનવાની પ્રેરણા જન્મે છે.