72nd National Film Awards: કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત, સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

કાર્તિક આર્યને પ્રખ્યાત નાની દેવરુપણ હોળી અને રાઠવા આદિવાસી નૃત્યમાં સામેલ થઈ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને માણી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 22 Sep 2026 08:58 AM (IST)Updated: Tue, 22 Sep 2026 08:58 AM (IST)
kartik-aaryan-visits-statue-of-unity-ekta-nagar-narmada-national-film-awards-2026
Kartik Aaryan visits Statue of Unity

72nd National Film Awards: સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા ગુજરાત પહોંચેલા પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર કાર્તિક આર્યને નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કાર્તિક આર્યને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શીલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીની મુલાકાત લઈ ત્યાંથી નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના વિહંગમ દૃશ્યોનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતા નગર ખાતે સ્થિત વિવિધ પ્રવાસન સ્થળો અને સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી. એકતા નગરના આયોજનબદ્ધ પ્રવાસન વિકાસ કાર્યો અંગે તેમને જરૂરી માહિતી આપવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પોતાના પ્રતિભાવમાં કાર્તિક આર્યને જણાવ્યું કે, 'આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિવાર સાથે મુલાકાત લીધી. એકતાના પ્રતિક સમાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ગર્વ થાય છે. દરેક વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી જોઈએ.'

કાર્તિક આર્યને વધુમાં જણાવ્યું હતું કે, મારી ફિલ્મને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જે મારા માટે ગર્વની વાત છે. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ખાસ આયોજિત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રખ્યાત નાની દેવરુપણ હોળી અને રાઠવા નૃત્યમાં સહભાગી થઈને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને માણી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ કાર્તિક આર્યનને સ્મૃતિચિહ્ન તથા ફોટોગ્રાફ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. વધુમાં, તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતાનગરના વિવિધ પ્રવાસન પ્રકલ્પો અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.