International Kite Festival: એકતાનગરમાં યોજાશે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026', દેશ-વિદેશના પતંગબાજો આવશે

સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પ્રખ્યાત પતંગબાજો અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 04 Jan 2026 09:27 AM (IST)Updated: Sun 04 Jan 2026 09:27 AM (IST)
international-kite-festival-2026-at-ektanagar-statue-of-unity-on-11-january-667735
HIGHLIGHTS
  • એકતાનગરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026
  • દેશ-વિદેશના પતંગબાજો આવીને પતંગના કરતબ બતાવશે
  • નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આયોજનની તૈયારીઓ હાથ ધરી

International Kite Festival 2026 at SoU: નર્મદા જિલ્લા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરમાં આગામી 11 જાન્યુઆરી, રવિવારના રોજ યોજાનાર “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2026”ને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે. આ મહોત્સવના સુચારુ આયોજન અને વિવિધ વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ'

આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ તમામ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સોંપાયેલ જવાબદારી સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને વિદેશમાંથી આવનાર પતંગબાજોની સુરક્ષા, પ્રોટોકોલ અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવાની તાકીદ કરી હતી. પતંગ મહોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે માટે સૌ અધિકારીઓએ સંકલન સાથે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ સંબંધિત વ્યવસ્થાનું આયોજન

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને વિશેષ આયોજન કરવા, કાર્યક્રમ સ્થળે બેઠકોની સુવ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા, સતત વીજ પુરવઠો, ટ્રાફિક નિયંત્રણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે ટીમ તૈનાત રાખવાની સૂચના આપી હતી. ઉપરાંત ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન મજબૂત રાખવા જણાવ્યું હતું.

દેશ-વિદેશના પતંગબાજો ઉમટી પડશે

સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-1 ખાતે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પ્રખ્યાત પતંગબાજો તેમના અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ તેમજ નર્મદા જિલ્લાના નાગરિકો માટે આ મહોત્સવ એક અનોખો અને અદભૂત અનુભવ બનવાનો છે. પ્રવાસનને પણ આ મહોત્સવથી વધુ પ્રોત્સાહન મળશે.

બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ સમીક્ષા બેઠકમાં નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા, નાયબ કલેક્ટર વિધુ ખૈતાન, નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલ, એસ.એમ. શર્મા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસને આ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.