Navratri 2026: આસો નવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર રાજ્યભરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે, ત્યારે નર્મદા જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક નગર રાજપીપળા ખાતે આવેલા ૪૨૫ વર્ષ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે શ્રદ્ધા અને આસ્થાનું અદભુત ઘોડાપૂર જોવા મળ્યું હતું. મહાઅષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ માઇભક્તોનો અવિરત પ્રવાહ મંદિરે પહોંચી ગયો હતો અને રાત્રી સુધી 'જય અંબે' અને 'જય હરસિદ્ધિ માં'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજતું રહું હતું.
આસો નવરાત્રીના પ્રારંભથી લઈને આઠમ સુધીમાં જ આશરે 6 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ હરસિદ્ધિ માતાજીના ચરણોમાં સીસ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આઠમના ખાસ પ્રસંગે હજારો ભક્તોએ દર્શનનો પાવન લાભ લઈ ધન્યતાની અનોખી અનુભૂતિ કરી હતી.
ઉજ્જૈનથી રાજા વેરીશાલ સાથે રાજપીપળા આગમનનો અમર ઇતિહાસ
રાજપીપળાના આ પૌરાણિક હરસિદ્ધિ માતાજીના મંદિર સાથે ખૂબ જ ઘેરી ધાર્મિક માન્યતા જોડાયેલી છે. લોકવાયકા અને ધાર્મિક ઇતિહાસ મુજબ, જગતજનની માં હરસિદ્ધિ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રાજા વેરીશાલની ભક્તિથી પ્રસન્ન થઈને તેમની સાથે રાજપીપળા ખાતે પધાર્યા હતા. આ સદીઓ જૂની પૌરાણિક કથા અને અપ્રતિમ શ્રદ્ધાના કારણે જ આ ધામનું ધાર્મિક મહાત્મ્ય ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

સુચારુ વ્યવસ્થા અને પોલીસનો કડક બંદોબસ્ત
મહાઅષ્ટમીના દિવસે માનવ મહેરામણ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે લાઈન, પીવાના પાણી અને દર્શનની સુચારુ વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોઈ અણબનાવ ન બને તે માટે નર્મદા પોલીસ તંત્ર દ્વારા ચાંપતો અને સઘન સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો હતો. અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે આયોજનબદ્ધ વ્યવસ્થા હોવાથી મેળાસદ્રશ માહોલ વચ્ચે પણ કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી અને સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
