કરજણ નદી પરના 10 કરોડના બ્રિજમાં નબળા બાંધકામ સામે CM ભૂપેન્દ્ર પટેલનું કડક વલણ, કોન્ટ્રાક્ટર સામે FIRના આદેશ

નર્મદા જિલ્લાના કરજણ નદી પર બનેલા મેજર બ્રિજના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ મળતાં CM ભૂપેન્દ્ર પટેલના આદેશથી સુરતના કોન્ટ્રાક્ટર રોયલ ઇન્ફ્રા સામે રાજપીપળામાં FIR નોંધાઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 18 Oct 2026 11:04 PM (IST)Updated: Sun, 18 Oct 2026 11:55 PM (IST)
rajpipla-bridge-quality-issue-contractor-faces-fir-by-cm-order
(AI Image)

Rajpipla News: નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી પર બનેલા મેજર બ્રિજના બાંધકામમાં ગંભીર નબળી ગુણવત્તા સામે આવતાં જ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટર સામે આકરાં પગલાં ભર્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્પષ્ટ આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજ નિર્માણમાં સંકળાયેલી સુરતની 'મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ.' સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી છે.

તપાસમાં પાયો નબળો જણાયો, વાહનવ્યવહાર તુરંત બંધ કરાયો

રાજપીપળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આ બ્રિજ અત્યંત મહત્વપૂર્ણ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન બ્રિજનું એક ફાઉન્ડેશન (પાયો) સેટલ થવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા સમગ્ર બ્રિજનું નિરીક્ષણ-પરીક્ષણ કરાતાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ મળી આવી હતી. પુલ જોખમી અને વાહનવ્યવહાર માટે અસુરક્ષિત જણાતાં તુરંત જ તેના પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

naidunia_image

2018માં શરૂ થયેલું રૂ. 10.71 કરોડનું કામ 2020માં પૂર્ણ થયું હતું

ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2018-19માં આ બ્રિજનું કામ સુરતની ઇજારદાર એજન્સી મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ.ને સોંપવામાં આવ્યું હતું. રૂ. 10.71 કરોડના આ ટેન્ડરનું કામ તા. 15/09/2018ના રોજ શરૂ થયું હતું અને ભૌતિક રીતે તા. 14/08/2020ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

દોષિત અધિકારીઓ સામે પણ શિસ્તભંગના આકરાં પગલાં લેવાશે

માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ બાંધકામમાં ક્ષતિ અને બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે પણ મુખ્યમંત્રીશ્રીએ કડક વલણ અપનાવ્યું છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે 'ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971' હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે.

'જે કહેવું તે કરવું': જાહેર બાંધકામોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આકરી કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર જાહેર બાંધકામોમાં સુરક્ષા અને ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેશે નહીં. બાંધકામમાં બેદરકારી દાખવનારાઓ સામે નિયમો મુજબ કડક પગલાં ભરીને મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીની ‘જે કહેવું તે કરવું’ની કાર્યશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.