Chaitar Vasava: ચૈતર વસાવા 80 દિવસ બાદ જેલમુક્ત, જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું- આ અવાજ ક્યારેય દબાશે નહીં, મને ખોટા કેસમાં ફસાવ્યો

જેલમાથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. મારી ફરિયાદ લેવામાં આવી નહીં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 24 Sep 2025 11:56 AM (IST)Updated: Wed, 24 Sep 2025 11:56 AM (IST)
chaitar-vasava-out-of-jail-reaches-rajpipla-to-visit-mata-harsiddhi-address-aap-workers

Chaitar Vasava Latest News: આમ આદમી પાર્ટીના નેતા, ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસના જેલવાસ બાદ આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ, આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ અવાજ ક્યારેય દબાશે નહીં.

મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો

જેલમાથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો છે. અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં. ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં. તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે.

naidunia_image

મને ખોટા કેસમાં ફસાવ્યો

તેમણે વધુમાં કહ્યું કે, 307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી? જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે સૌનો આભાર, સાથે મળીને આગળ વધતા રહીશું. પોસ્ટ મેટ્રિક, શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવ્યા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો છે.

ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા તરફ રવાના

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળા તરફ ભવ્ય કાફલો કાઢ્યો હતો. જેલમુક્તિ પછી, સૌપ્રથમ તેઓ નવરાત્રિના પાવન દિવસોમાં રાજપીપળા જકાતનાકા ખાતે આવેલા માં હરસિદ્ધિ માતાના દર્શન કરવા પહોંચશે. આ માર્ગ પર, તેમનો કાફલો કુંવરપરા, વિરપુર ચોકડી, અને ખામર માર્ગે પસાર થશે. બપોરે 12 વાગ્યે, તેઓ મોવી ચોકડી ખાતે મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને સંબોધિત કરવાની યોજના ધરાવે છે. જેલમુક્તિ બાદ આ તેમનું પહેલું જાહેર ભાષણ હશે, જેના કારણે કાર્યકર્તાઓ અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ડેડીયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશવાની મનાઈ

હાઈકોર્ટે જામીન આપતા ચૈતર વસાવા પર કેટલીક કડક શરતો મૂકી છે. કોર્ટના આદેશ મુજબ, તેઓને ડેડીયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશવાની મનાઈ રહેશે. ઉપરાંત, જો તેઓ ફરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમના જામીન રદ થઈ જશે. તેમને તપાસમાં સહકાર આપવા તેમજ કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવા પણ ફરજિયાત બનાવાયું છે. ઉલ્લેખનીય છેકે, 5 જુલાઈના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે અથડામણ થઈ હતી. આ બનાવ બાદ સંજય વસાવાની ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. માત્ર વિધાનસભા સત્ર દરમિયાન જ તેમને થોડા દિવસ માટે જામીન મળ્યા હતા.