Narmada: ખોપી ગામના આદિવાસી ખેડૂતોના જમીન વિવાદ મુદ્દે ચૈતર વસાવાની સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત

ખોપી ગામના આદિવાસી ખેડૂતોના જમીન વિવાદ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ CM ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી. ખેડૂતોને ન્યાય અને વન વિભાગની કથિત હેરાનગતિ રોકવાની માંગ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 09:31 AM (IST)Updated: Sun, 13 Sep 2026 09:31 AM (IST)
chaitar-vasava-khopi-tribal-farmers-land-dispute-cm-bhupendra-patel

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના આદિવાસી ખેડૂતના જમીન વિવાદ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ ખોપી ગામના આદિવાસી ખેડૂતોને ન્યાય મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપીલ કરી છે.

ચૈતર વસાવાએ સીએમ પટેલને રજૂઆત કરી

ગાંધીનગરમાં વિધાનસભામાં ચોમાસુ સત્રને લઈને શરતી જામીન લઈને ધારાસભ્ય ચૈતર વસાવા બહાર છે, ત્યારે તેઓએ ખોપી ગામના આદિવાસી ખેડૂતોના પ્રશ્નોને લઈને સીએમ સામે રજૂઆત કરી હતી. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી હતી.

ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે તેવી અપીલ

ચૈતર વસાવાએ રાજ્ય સરકારનું ધ્યાન દોરીને જણાવ્યું કે, ખોપી ગામના ખેડૂતોની સમસ્યાઓ ફક્ત કાગળ પૂરતી સીમિત ન રહીને તાત્કાલિક ઉકેલાવી જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કરેલી રજૂઆતમાં ચૈતર વસાવાએ ખેડૂતોને વન વિભાગના અધિકારીઓ દ્વારા કરાતી કથિત હેરાનગતિને રોકવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમજ ખેડૂતોને રાહત મળે તેમ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી સમસ્યા ઉકેલે

ચૈતર વસાવાએ સાગબારાના ખેડૂતોની રોજગાર અને જમીન સાથે જોડાયેલી સમસ્યાઓ અંગે સરકાર હસ્તક્ષેપ કરે તેવી અપીલ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે, સંબંધિત અધિકારીને જરુરી સૂચનાઓ આપીને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે.