Chaitar Vasava Bail News: આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આજે ચૈતેર વસાવાની જામીન અરજી પર મહત્વનો ચુકાદો આપતા તેમને ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. જોકે, કોર્ટે તેમને તેમના દેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની કડક શરત મૂકી છે. તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન તેમને સત્રમાં હાજરી આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા. વિગતો અનુસાર તેઓ આજે અથવા આવતીકાલે જેલમાંથી બહાર આવી શકે છે.
શરતોનું કડક પાલન કરવું પડશે
આ પણ વાંચો
ધારાસભ્ય વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલા ગુનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કેસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન તેમના વકીલો દ્વારા જામીન અરજી દાખલ કરી ન્યાયની અપીલ કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટે શરત જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને શરતોનું કડક પાલન કરવું પડશે. ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની કડક શરત મુકવામાં આવી છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે જામીન મળ્યા બાદ ધારાસભ્ય કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયા તો તેમની જામીન રદ થવાની શક્યતા રહેશે. સાથે જ, તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર નહીં કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા જણાવ્યું હતું કે, છેલ્લા અઢી મહિનાથી અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હતા એમને આજે હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. કોર્ટમાં જે રીતે દલીલો થઈ, ચાર્જશીટ ઉપર ચર્ચા થઈ એના પરથી ચોક્કસ એ સાબિત થાય છે કે ચૈતર વસાવા સામે ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ચાર્જશીટની અંદર જે અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે ચૈતર વસાવા સાથે ગાળાગાળીની કોઈ ઘટના ઘટી નથી એવું એમને સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને FIRની જે સ્ક્રીપ્ટ છે એ તદ્દન અલગ છે. કોર્ટની અંદર જ્યારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી ત્યારે કોર્ટે પણ આ વાત સ્વીકારી છે. તેથી જ હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે. પરંતુ એક વર્ષ સુધી વિધાનસભામાં નહીં જવાની શરત સાથે આ જામીન આપવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પાંચમી જુલાઈએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ સંજય વસાવાની ફરિયાદ પરથી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ત્યારથી જેલમાં છે, ફક્ત વિધાનસભા સત્ર માટે જામીન પર મુક્ત થયા હતા.
