MP Mansukh Vasava Allegation: ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓ અને સંગઠન સામે મોરચો ખોલી અને રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. રાજપીપળા ખાતે યોજાયેલા સંગઠન કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી બોલતા સાંસદે પોતાની જ પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો સામે જ સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા.
જાહેરમંચ પરથી પક્ષના આગેવાનો પર ગંભીર આક્ષેપ
મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જીતાડવામાં ભાજપના જ સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારોનો હાથ હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંબાજી રથયાત્રા લઈને નીકળ્યા હતા, ત્યારે ભાજપના જ હોદ્દેદારો તેમનું સન્માન કરવા પહોંચી ગયા હતા.
ભાજપમાં રહી વિપક્ષને મદદ કરનાર પક્ષ છોડે: સાંસદ
સાંસદે આંતરિક શિસ્ત અંગે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, "ભાજપમાં રહીને વિરોધ પક્ષોને મદદ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. જો કોઈને આ વાતનું ખોટું લાગતું હોય તો તે પક્ષ છોડી શકે છે. પક્ષમાં રહીને આપના નેતાઓ સાથે દોસ્તી રાખશો તો ભવિષ્યમાં ક્યારેય સફળ થવાશે નહીં."
ભ્રષ્ટાચાર અને નબળા વિકાસ કામો અંગેની પોલ ખોલી
પોતાના જ પક્ષના આગેવાનો ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ વહીવટી સ્તરે ચાલતા ભ્રષ્ટાચાર પર પણ સીધા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, સત્તા પર બેઠેલા ભાજપના કેટલાક આગેવાનો તલાટીઓને હપ્તા આપે છે. આ પ્રકારની હપ્તા ખોરી અને કમિશન પ્રથાને કારણે જ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકાઓમાં ગુણવત્તા વગરના અને 'લોલમલોલ' વિકાસ કામો થઈ રહ્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ ચેતવણી આપતા જણાવ્યું કે, આવા નબળા કામોને કારણે જ વિપક્ષોને સરકાર સામે અવાજ ઉઠાવવાની અને રાજકીય મુદ્દો બનાવવાની સીધી તક મળી જાય છે. સરકારી કામ ભલે ભાજપના કાર્યકરો કે નેતાઓ રાખે, પરંતુ કામની ક્વોલિટી અને ગુણવત્તા જાળવવી અત્યંત અનિવાર્ય છે. પક્ષના જ મંચ પરથી સાંસદના આ તીખા પ્રહારોને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
