Mission Mangalam Success Story: મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના પાટડી ગામનાં અંજનાબેન ફતેસીંગભાઈ વસાવા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. પરંપરાગત ખેતી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને સ્વદેશી ઉત્પાદનોના મૂલ્યવર્ધન દ્વારા તેમણે માત્ર પોતાના પરિવારને આર્થિક સધ્ધરતા બક્ષી નથી, પરંતુ અન્ય ગ્રામીણ મહિલાઓને પણ આત્મનિર્ભર બનવાની નવી રાહ ચીંધી છે.
મિશન મંગલમનો સહયોગ અને સ્વસહાય જૂથની તાકાત
અંજનાબેન સ્થાનિક સ્તરે પ્રગતિ સ્વસહાય જૂથ સાથે સક્રિયપણે જોડાયેલાં છે. સરકારના મિશન મંગલમ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથના માધ્યમથી તેમને રૂ. 2.5 લાખનું ધિરાણ પ્રાપ્ત થયું હતું. આર્થિક સહાય મળતા જ તેમણે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ અને ખેતીના વ્યાપને વધુ વેગ આપ્યો. તેમની આ સફરમાં આજે અન્ય ૧૦ બહેનો પણ જોડાઈને આર્થિક રીતે આગળ વધી રહી છે, જેનાથી ગ્રામ્ય સ્તરે મહિલા ઉત્થાનનું એક મજબૂત માળખું તૈયાર થયું છે.
પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી પાકની વિશેષ ઓળખ
અંજનાબેન પરંપરાગત ખેતી પદ્ધતિને અપનાવીને અનોખા સ્વદેશી પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં મોર, લાલ ચોખા, દેશી જુવાર, દેવલી કોલમ ડાંગર, નાગલી અને દેશી મગફળી જેવા પરંપરાગત અને પૌષ્ટિક પાકોનો સમાવેશ થાય છે. આ પાકોના ગુણવત્તાયુક્ત બિયારણ તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
તેઓ જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અને રાસાયણિક મુક્ત શુદ્ધ ખોરાક પૂરો પાડવા માટે પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર અને બીજામૃત જેવી દેશી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આજે તેમની આ ખેતી માત્ર જીવનનિર્વાહનું સાધન નથી રહી, પરંતુ સ્વાવલંબનનો મજબૂત આધાર બની છે.
સ્વદેશી મેળા અને કાઇટ ફેસ્ટિવલમાં વેચાણથી ઉત્તમ આવક
ઉત્પાદનથી લઈને બજાર સુધી પહોંચવા માટે અંજનાબેને અનોખી પહેલ કરી છે. મિશન મંગલમના સહયોગથી તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), અમદાવાદ અને સુરત ખાતે યોજાતા વિશિષ્ટ સ્વદેશી મેળાઓ તથા કાઇટ ફેસ્ટિવલ જેવા મોટા ઉત્સવોમાં વિનામૂલ્યે સ્ટોલની સુવિધા પ્રાપ્ત થાય છે.
આ પ્લેટફોર્મના માધ્યમથી તેઓ પોતાના શુદ્ધ સ્વદેશી ઉત્પાદનોનું સીધું વેચાણ કરીને સારે એવો નફો કમાઈ રહ્યા છે. ખાસ કરીને તેમના દ્વારા ઉત્પાદિત લાલ ચોખાની ભારે માંગ રહે છે, જેઓ પ્રતિ કિલો રૂ. 150 ના ભાવે વેચે છે. ગ્રાહકોની વિશેષ માંગ અનુસાર તેઓ ઓર્ડર મેળવીને પાર્સલ દ્વારા પણ દેશના વિવિધ સ્થળોએ ઉત્પાદનો પહોંચાડે છે.
12 ગામોમાં ક્લસ્ટર રિસોર્સ પર્સન તરીકે માર્ગદર્શન
અંજનાબેન માત્ર પોતાની ખેતી પૂરતાં મર્યાદિત ન રહેતા સમાજ સેવા અને માર્ગદર્શન ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. તેઓ આત્મા પ્રોજેક્ટ હેઠળ ક્લસ્ટર રિસોર્સ પર્સન (CRP) તરીકે આસપાસના 12 ગામોમાં કાર્યરત છે. આ ભૂમિકા હેઠળ તેઓ અન્ય ખેડૂતો અને મહિલાઓને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક અને પરંપરાગત પદ્ધતિઓની તાલીમ આપે છે.
વધુમાં, નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી ચીકદા તાલુકામાં કાર્યરત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સફળ સંચાલન પણ અંજનાબેન ખુદ સંભાળે છે. આ કેન્દ્ર દ્વારા સ્થાનિક લોકોને શુદ્ધ અનાજ અને શાકભાજી સરળતાથી મળી રહે છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને પોતાની દ્રઢ મનોબળ સાથે અંજનાબેન આજે ગ્રામીણ ભારતના સાચા અર્થમાં 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.
