Narmada Rain News: નર્મદા જિલ્લા ખાતે આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં ઓવરફ્લો થવા લાગ્યો છે. તેના 23 દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. સાથે જ, નર્મદા ડેમ પર ભવ્ય લાઇટિંગ કરવામાં આવતા સ્થળે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. તિરંગા સહિત વિવિધ રંગોની લાઇટિંગથી ડેમને શણગારવામાં આવ્યો છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે લાઇટિંગનો દૃશ્ય અદભુત લાગી રહ્યો છે. ડેમના ઓવરફ્લો પર ફોકસ લાઇટિંગથી પાણીનો નજારો વધુ સુંદર લાગી રહ્યો છે.

દર વર્ષે નર્મદા ડેમ સંપૂર્ણ થતો હોય ત્યારે આ પ્રકારની રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવે છે. આ વર્ષે પણ માં નર્મદાની વધામણી માટે વિશેષ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આકર્ષક લાઇટિંગ જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેના કારણે ડેમ પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે.

નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. પાણીની આ અવિરત પુરવઠાની પાછળના પ્રયત્નો અને આ ભવ્યતા લોકોને ગર્વની લાગણી કરાવે છે. પ્રવાસીઓ માટે સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે. સાંજના સમયે ડેમ પર લાઈટિંગ જોવા માટે વિશેષ આયોજન થવાના કારણે લોકો રોમાંચક અનુભવ કરી રહ્યા છે.