Vadtal Dham Janmashtami: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના પવિત્ર પર્વે વડતાલ ધામ તેમજ સમગ્ર ખેડા જિલ્લાના હજારો હરિભક્તો ભગવાનના પ્રાગટ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં લીન થઈ ગયું હતું.
કથા શ્રવણ અને પૂજન વિધિ:
આ પણ વાંચો
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના દિવ્ય અવતરણ પૂર્વે વ્યાસપીઠ પર બ્રહ્મચારી શાસ્ત્રી પ્રભાનંદજીએ બિરાજીને ભાવિક ભક્તોને જન્મોત્સવ કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના પ્રારંભમાં તારાપુરના અગ્રણી હરિભક્ત નિલેશભાઈ ઉર્ફે લાલાભાઈ ઠક્કર દ્વારા પોથીજી અને વક્તા મહારાજનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્ય મહારાજનું પૂજન ગોવિંદભાઈ ઠક્કર તારાપુર અને નીતિનભાઈ પટેલે કર્યું હતું. આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત સૌ સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પોતાના દિવ્ય આશીર્વચન પાઠવ્યા હતા.
નૂતન કેલેન્ડરનું વિમોચન:
આ પાવન અવસરે વડતાલ મંદિર પ્રશાસન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આગામી વર્ષના નૂતન કેલેન્ડરનું પૂજ્ય આચાર્ય મહારાજ તથા ચેરમેન ડો. સંત સ્વામીના વરદહસ્તે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.
નિજ મંદિરમાં અલૌકિક સજાવટ:
જન્મોત્સવ નિમિત્તે વડતાલ મંદિરના મુખ્ય બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી દ્વારા નિજ મંદિરમાં રંગબેરંગી દેશી-વિદેશી પુષ્પોની કમાનો રચીને અદ્ભુત અને મનોહર શણગાર સજાવવામાં આવ્યો હતો. પૂજન વિધિની ધાર્મિક વિધિઓ વિદ્વાન ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવી હતી. નિજ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ભગવાન બાળગોપાલનું પૂજન કરી, મહાઆરતી ઉતારીને પ્રભુને સોનાના પારણે જુલાવ્યા હતા. મહાઆરતી સંપન્ન થયા બાદ પ્રભુના વધામણા કરવા માટે મંદિરના ભવ્ય ઘુમ્મટમાં સંતો દ્વારા ચોકલેટની ઉછામણી કરવામાં આવી હતી, જેને ઝીલવા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાસોત્સવ અને મહી-મટકી ફોડ:
ભગવાનના પ્રાગટ્ય પૂર્વે રાત્રિના સમયે મંદિરના વિશાળ ચોકમાં ભવ્ય રાસોત્સવ અને મહી-મટકી ફોડના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રભુની મહી-માખણ લીલાને જીવંત રાખવા માટે મંદિર ચોગાનમાં ઊંચાઈ પર જુદી-જુદી બે મટકીઓ બાંધવામાં આવી હતી. પ્રભુ પ્રાગટ્યના સમયે વરસી રહેલા આહલાદક વરસાદની વચ્ચે પણ યુવાનો અને સેવકોના ઉત્સાહમાં કોઈ ઉણપ જોવા મળી નહોતી. ભીના વાતાવરણમાં પણ ગોવિંદાઓએ એકબીજા પર માનવ પિરામિડ રચીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ સાથે મટકીઓ ફોડી હતી અને માખણ-મિસરીનો પ્રસાદ લૂંટ્યો હતો.
સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિ:
સમગ્ર મહોત્સવ દરમિયાન વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત સ્વામી અને શાસ્ત્રી રઘુનંદન સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપીને જન્માષ્ટમી પર્વનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉત્સવમાં વલ્લભ સ્વામી, કોઠારી પ્રેમસ્વરૂપ સ્વામી (કાશી), માધવપ્રસાદ સ્વામી ભંડારી, એપી સ્વામી સહિત વડતાલના મોટી સંખ્યામાં સંતો, પાર્ષદો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય મહોત્સવનું સુંદર આયોજન ચેરમેન ડો. સંત સ્વામી તથા કોઠારી દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ગુણસાગર સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્સવની સમગ્ર વ્યવસ્થાનું સફળ સંચાલન ગુણસ્વાગત સ્વામીએ સંભાળ્યું હતું.
