Nadiad News: ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલી જ્ઞાનશક્તિ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી 26 વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર પડી હતી. તેમને ઝાડા-ઉલટી, પેટમાં દુખાવો અને ગભરામણ જેવા લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર અર્થે ખેડાની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 25 વિદ્યાર્થિનીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, માતર તાલુકાની જ્ઞાનશક્તિ શાળાની વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, દાખલ થયેલી 25 વિદ્યાર્થિનીઓમાંથી મોટાભાગનીને તાવ, ઝાડા-ઉલટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ હતી. જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવો અને ગભરામણનો પણ અનુભવ થયો હતો.
તબીબોની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી છે. હાલ એક વિદ્યાર્થિનીને ગ્લુકોઝના બાટલા ચડાવવાની જરૂર પડી છે, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓમાં સામાન્ય શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. હોસ્પિટલ દ્વારા બીમારીનું ચોક્કસ કારણ જાણવા માટે જુદા જુદા મેડિકલ ચેકઅપ અને સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ સાચી વિગતો બહાર આવશે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક જ્ઞાનશક્તિ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળા સંચાલકોને વિદ્યાર્થીઓના સમયસર આરોગ્ય ચેકઅપ કરાવવા, તેમજ ખોરાક અને પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવા અને બાળકોની પૂરતી કાળજી લેવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ. ધ્રુવે માહિતી આપતાં જણાવ્યું કે આરોગ્ય વિભાગની ટીમે શાળાના રસોડાની પણ મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓની તબિયત બગડવા પાછળનું ચોક્કસ કારણ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.