નડિયાદના ઉત્તરસંડામાં મહિલાઓનું આર્થિક સશક્તિકરણ: મઠિયા અને ચોળાફળી બન્યા રોજગારીનું મોટું માધ્યમ, આ વર્ષે ભાવમાં 20 ટકાનો વધારો

નડિયાદના ઉત્તરસંડા ગામમાં મઠિયા અને ચોળાફળીનું ઉત્પાદન મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનું મોટું માધ્યમ બન્યું છે. જેની માંગ દેશ-વિદેશમાં છે. આ વર્ષે દાળના ભાવ વધતા આ પરંપરાગત દિવાળીના ફરસાણના ભાવમાં પણ 20 ટકા વધારો થયો છે. આમ છતાં તેની માંગ વ્યાપક જોવા મળી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 05:50 PM (IST)Updated: Thu, 05 Nov 2026 05:50 PM (IST)
nadiad-newa-uttersanda-mathiya-and-chholafali-empower-women-economically-prices-rise-by-20-per-cent-this-diwali

Nadiad: દિવાળીના તહેવારની રંગત ગુજરાતી ફરસાણ વિના અધૂરી માનવામાં આવે છે અને તેમાં પણ મઠિયા તથા ચોળાફળીનું સ્થાન વિશેષ છે. ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલું ઉત્તરસંડા ગામ આ સ્વાદિષ્ટ વાનગીઓના ઉત્પાદન માટે આજે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે.

આ ગામની વિશિષ્ટ આબોહવા અને પાણીની પ્રકૃતિ અહીં તૈયાર થતી ખાદ્ય ચીજોને અનોખો અને અવિસ્મરણીય સ્વાદ બક્ષે છે, જેને કારણે સ્થાનિક બજારોથી લઈને છેક વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી ઉત્તરસંડાના મઠિયા અને ચોળાફળીની ભારે માંગ રહે છે.

ઉત્તરસંડામાં પાપડ અને ફરસાણનું ઉત્પાદન આખું વર્ષ ચાલતું રહે છે, પરંતુ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને મઠિયા અને ચોળાફળીની તૈયારીઓ પૂરા છ મહિના અગાઉથી આરંભી દેવામાં આવે છે. વિદેશી બજારોમાં સમયસર માલ પહોંચાડવા માટે મોટા પાયે પ્રોડક્શન અને પેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વર્તમાન સમયમાં ગામમાં ધમધમી રહેલા અંદાજે 40થી 50 ઉત્પાદન એકમો અને ફેક્ટરીઓમાં કારીગરો પૂરઝડપે કામ કરી રહ્યા છે.

આ ગૃહ ઉદ્યોગ ઉત્તરસંડા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોની 1,000 કરતાં વધુ મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનું મોટું માધ્યમ બન્યો છે. મહિલાઓ પોતાની આગવી કુશળતા અને સખત પરિશ્રમથી પરંપરાગત સ્વાદ જાળવી રાખીને મઠિયા અને ચોળાફળી તૈયાર કરી રહી છે. પેઢી દર પેઢી આગળ વધતી આ કારીગરી માત્ર ઉત્તરસંડાની ઓળખને જ ઉજ્જવળ નથી કરતી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત આધાર પૂરો પાડે છે.

સમયની સાથે આ પરંપરાગત વાનગીઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેને પહોંચી વળવા નવા ઉત્પાદન એકમો પણ સ્થપાઈ રહ્યા છે. જો કે, ચાલુ વર્ષે કઠોળ અને દાળના બજાર ભાવમાં થયેલા વધારાને કારણે એકંદરે ઉત્પાદન ખર્ચ ઊંચો ગયો છે.

જેના પરિણામે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મઠિયા અને ચોળાફળીના વેચાણ ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં, ગ્રાહકોની ખરીદશક્તિ અને ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી; દિવાળીના તહેવારને લઈને બજારમાં આ ચીજોની લોકપ્રિયતા અને માંગ અકબંધ જોવા મળી રહી છે.