ડાકોરમાં નવરાત્રીની રાત્રે જૂથ અથડામણ હત્યામાં પરિણમી: 21 વર્ષીય યુવકનું મોત, સમગ્ર વિસ્તારમાં તંગદિલી!

યાત્રાધામ ડાકોરમાં નવરાત્રીની રાત્રે બે કોમના જૂથો વચ્ચે હિંસક અથડામણમાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. ખેડા એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને 5 શકમંદોની રાઉન્ડઅપ કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 12:26 PM (IST)Updated: Thu, 15 Oct 2026 12:26 PM (IST)
dakor-navratri-group-clash-murder-21-year-old-youth-death-police-investigation

Kheda News: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવરાત્રી પર્વના પવિત્ર માહોલ વચ્ચે મધરાત્રે ફાટી નીકળેલી હિંસક જૂથ અથડામણમાં ગંભીર વળાંક આવ્યો છે. શહેરના સત્યમ સોસાયટી નજીક આવેલા નવી નગરી વિસ્તારમાં બે કોમના જૂથો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને તીક્ષ્ણ હથિયારોના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.

હિંસક અથડામણમાં એકનું મોત

મધ્યરાત્રિએ થયેલી આ લોહિયાળ અથડામણમાં એક મહિલા સહિત કુલ 9 લોકો ઘવાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, અતિ ગંભીર હાલતમાં સારવાર મેળવી રહેલા સુલતાન ઇકબાલભાઈ શેખ (ઉંમર 21) નામના યુવકનું મોત નીપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

આ હિંસક અથડામણમાં દશરથ રમેશભાઈ રાઠોડ (52), સુરેશ રમેશભાઈ રાઠોડ (40), ઈરફાન યુસુફભાઈ શેખ (42), સોહિલ સત્તારભાઈ શેખ (22), અમોનાબેન અનવરભાઈ શેખ (50), હનીફ યુસુફભાઈ શેખ (50), ઇકબાલ હુસેનભાઈ શેખ (40) અને સંદીપભાઈ દશરથભાઈ રાઠોડ (25) પણ ઈજાગ્રસ્ત થયા છે.

ખેડા એસપી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતા વધતાં વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રે જ ખેડા જિલ્લા પોલીસ વડા જાતે ડાકોર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી, એલસીબી સહિતની ખાસ પોલીસ એજન્સીઓના કાફલાને ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

5 શકમંદોનો રાઉન્ડઅપ, ફરિયાદની તજવીજ

તહેવાર ટાણે સર્જાયેલી આ ગંભીર ઘટના સંદર્ભે ડાકોર પોલીસ મથકે ગુનો નોંધી હત્યા અને રમખાણ અંગેની કાનૂની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કરી અત્યાર સુધીમાં 5 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી લીધા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.