Nadiad Bhanu Bharwad GCTOC Case: સંગઠિત ગુનાખોરી, ખંડણી અને જમીન પચાવી પાડતી અસામાજિક ગેંગ સામે આકરું વલણ અપનાવતા ખેડા જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને તેમના પુત્ર નવઘણ ભરવાડ વિરુદ્ધ 'ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ' (ગુજસીટોક) હેઠળ ગંભીર ગુનો નોંધીને પોલીસે બંનેને ત્વરિત રાઉન્ડઅપ કરી લીધા છે.
પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડનો ગુનાહિત ઈતિહાસ લાંબો અને ચોંકાવનારો રહ્યો છે. તેમના પર અગાઉ પણ સરકારી તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના અનેક કેસોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. આ સિવાય પિતા-પુત્ર બંને સામે અપહરણ, મારપીટ અને ધાકધમકી આપવા જેવા અનેક સંગીન ગુનાઓ ચોપડે નોંધાયેલા છે. સ્થાનિક સ્તરે સતત ગુનાહિત કારસા રચવાના કારણે લોકોમાં તેમની સામે ભારે આક્રોશ અને ભયનો માહોલ હતો.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અદાલત દ્વારા સજા ફટકારવામાં આવી હોવા છતાં આરોપીઓ સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત આપીને જામીન મેળવવામાં સફળ રહ્યા હતા. જોકે, જેલમાંથી મુક્ત થયા બાદ પણ તેમની પ્રવૃત્તિઓમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને તેઓ ફરી અસામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયા હતા. કાયદાકીય છટકબારીઓનો વારંવાર દુરુપયોગ કરવાની તેમની ટેવ સામે આખરે પોલીસે કડક શિકંજો કસ્યો છે.
આ હાઈપ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વક તપાસ DySp વિક્રમ સોલંકીને સોંપવામાં આવી છે. તપાસ અધિકારી દ્વારા આરોપીઓની બેનામી અને નામી મિલકતો તેમજ અગાઉના તમામ ગુનાહિત રેકોર્ડની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં પોલીસ બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરીને સઘન પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. આ ઉપરાંત, આ ગુનાહિત નેટવર્કમાં સામેલ તેમના સાગરીતો અને મદદગારો સામે પણ કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
