Nadiad GST Bribery Case: નડિયાદ સેન્ટ્રલ GST વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. એક વેપારીની ફરિયાદના આધારે અમદાવાદ ACB ટીમે છટકું ગોઠવીને આ બંને આરોપીને રૂ. 10 લાખનો પ્રથમ હપ્તો સ્વીકારતા દબોચી લીધા છે.
ગાડી છોડાવવા માંગ્યા હતા રૂ. 55 લાખ
મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓએ ફરિયાદી વેપારીની સામાન ભરેલી એક ગાડી અટકાવી હતી, અને તેને કાયદેસરની કાર્યવાહીના બહાને નડિયાદ સ્થિત GST ઓફિસ ખાતે લાવવામાં આવી હતી. આ ગાડી અને અંદર રહેલો સામાન મુક્ત કરવાના બદલામાં અધિકારીઓએ વેપારી પાસે રૂ. 55 લાખ જેવી માતબર રકમની માંગણી કરી હતી.
સેન્ટ્રલ GST વિભાગના લાંચિયા અધિકારી
આ લાંચ પ્રકરણમાં સેન્ટ્રલ GST ના બે મુખ્ય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. જેમાં સુબોધ ચૌહાણ સેન્ટ્રલ GST વિભાગના ઇન્સ્પેકટર છે, જ્યારે અમરનાથ સરોજ સેન્ટ્રલ GST વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ છે. બંને અધિકારીઓએ નાણાં પડાવવા માટે ફરિયાદી પર દબાણ બનાવ્યું હતું. જોકે, ફરિયાદી આટલી મોટી રકમ લાંચ પેટે આપવા તૈયાર ન હોવાથી તેમણે અમદાવાદ ACB નો સંપર્ક સાધ્યો હતો.
અમદાવાદ ACB ટીમની સફળ ટ્રેપ
ફરિયાદીની ફરિયાદના આધારે ACB ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. અગાઉથી નક્કી થયેલી સમજૂતી મુજબ, 55 લાખમાંથી 10 લાખનો પ્રથમ હપ્તો નડિયાદ GST ઓફિસમાં આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી 10 લાખની રોકડ લઈને પહોંચ્યા અને સુબોધ ચૌહાણ તેમજ અમરનાથ સરોજે આ લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ વોચમાં રહેલી ACB ટીમે ત્રાટકીને બંને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.s
નિવાસસ્થાન અને મિલકતની તપાસ શરૂ
અમદાવાદ ACB ટીમે ઘટના સ્થળેથી જ લાંચની પૂરેપૂરી રકમ રીકવર કરી લીધી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ તેમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ આરોપીઓના નિવાસસ્થાન અને તેમની મિલકતોની તપાસની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
વધુમાં, શું આ બંને અધિકારીઓએ ભૂતકાળમાં અન્ય કોઈ વેપારીઓ પાસેથી પણ આ રીતે નાણાં ખંખેર્યા છે કે કેમ તથા રૂપિયા 55 લાખની મોટી માંગણી પાછળ અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તે દિશામાં તપાસ એજન્સી હવે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.
