Gandhinagar bribery case: ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને તેમના વતી વહીવટ કરતા નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને ACB દ્વારા રૂ. 4.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ લાંચ મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે માંગવામાં આવી હતી.
પ્રોપર્ટી કાર્ડ માટે 9.50 લાખની માંગણી
પ્રાપ્ત માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકે તેમના પરિચિતના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ક્ષતિ ન કાઢવા અને સાનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળાએ રૂ. 9.50 લાખની મોટી રકમની માંગણી કરી હતી. આખરે રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું.
ગાંધીનગર કોર્ટ પાસે ફિલ્મી ACB ટ્રેપ
ફરિયાદીએ લાંચ આપવાના બદલે ACB ને જાણ કરતા PI કે.કે. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસીને આરોપીઓએ જ્યારે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ ACB ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા.
ACB ટીમે લાંચની પૂરેપૂરી રકમ રીકવર કરી લીધી છે, અને હાલ બંને આરોપીના નિવાસસ્થાને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળી આવવાની શક્યતા સેવાઈ રહી છે. એ.કે. પરમાર અને હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવેલા આ સફળ ઓપરેશનથી અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
5 વર્ષમાં 12 અધિકારીઓ ઝડપાયા
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં આ કચેરી અને તેની તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ એસીબીની જાળમાં સપડાઈ ચૂક્યા છે.
