Gandhinagar Rain Alert: ગાંધીનગર જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 36.5 મીમી અંદાજે 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર વરસાદની વિગત
જિલ્લામાં આજે સૌથી વધુ 54 મીમી સવા બે ઈંચથી વધુ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો છે. માણસામાં બપોરે 4 થી સાંજના 6 વાગ્યા દરમિયાન જ 39 મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.
ગાંધીનગર તાલુકાની વાત કરવામાં આવે તો, કુલ 48 મીમી પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે 26 મીમી વરસાદ થયો હતો. કલોલ તાલુકામાં દિવસ દરમિયાન કુલ 26 મીમી એટલે કે 1 ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન કુલ 18 મીમી વરસાદ થયો છે.
સમયગાળા મુજબ વરસાદી આંકડા
આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે તબક્કાવાર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને બપોર પછી સાંજના 4 થી 6 વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ 20.25 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની સૂચના
ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
નીચાણવાળા વિસ્તારોમાંથી સમયસર સ્થળાંતર, જોખમી જગ્યાઓએ બેરિકેડિંગ, ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા તેમજ ધરાશાયી વૃક્ષોને તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત રાખવા સંબંધિત અધિકારીઓને આદેશ અપાયા છે.
તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. આપત્તિ સંબંધી તાજા અપડેટ્સ માટે 'Sachet App' નો ઉપયોગ કરવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી.
