Kheda: ગઈકાલે ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા પડેલા ત્રણ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જે પૈકી એક યુવકનો મૃતદેહ ગઈકાલે જ મળી આવ્યો હતો. જ્યારે લાપતા બનેલા અન્ય બે મૃતદેહ આજે મળી આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નડિયાદ અમદાવાદી બજારમાં રહેતા 7 લોકો ગતરોજ રવિવારની રજા હોવાથી ગળતેશ્વર ખાતેથી પસાર થતી મહીસાગર નદી કિનારે મોજ મસ્તી માણવા આવ્યા હતા. જે પૈકી 37 વર્ષીય પ્રકાશભાઈ કાંતિભાઈ સોલંકી અને તેમનો 17 વર્ષીય દીકરો જૈમિન સોલંકી તેમજ 42 વર્ષીય મનીષભાઈ ભીખાભાઈ સોલંકી મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ પણ વાંચો
ઘટના ના પગલે દોડી આવેલ આસપાસના સ્થાનિક તરવૈયાઓ, ડિઝાસ્ટરની ટીમ અને નડિયાદ ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આ ત્રણ પૈકી મનિષ સોલંકીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે લાપતા બનેલા પ્રકાશભાઈ કાંતિભાઈ સોલંકી અને તેમના દીકરા જૈમિન સોલંકીની ભારે શોધખોળ બાદ પણ કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન આજે લાપતા થયેલ પિતા પુત્રના મૃતદેહ બનાવ સ્થળેથી નજીકમાં પાણી તરતા દેખાઈ આવતા સ્થાનિક તરવૈયાઓએ બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. અને સેવાલીયા પોલીસ ને સોંપતા પોલીસે બને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અપમૃત્યુનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
