Kheda: ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં છેલ્લા બે દિવસ દરમિયાન 5 લોકોના શંકાસ્પદ મોત મામલે અનેક ચર્ચાઓ થઈ રહી છે. જેમાં શંકાસ્પદ પીણું પીધુ હોવાના કારણે તમામ લોકો મોતને ભેટ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, તો લોકમુખે લઠ્ઠાકાંડની આશંકા પણ સેવાઈ રહી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા બે દિવસમાં નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે મહુધા તાલુકાના બગડુ ગામના 2 જણા મળીને કુલ 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે.
આ પણ વાંચો
બીજી તરફ એક મૃતકના પરિવારજનનું કહેવું છે કે, તેમના સ્વજન પીણું પીધા બાદ ઘરે આવ્યા હતા. જે બાદ તેમને અચાનક માથામાં દુખાવો શરૂ થઈ ગયો હતો અને તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. થોડીવારમાં તેમના મોંઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતુ. જેથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અન્ય મૃતકો પણ આવા જ લક્ષણો બાદ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતની જાણ થતાં પોલીસ વિભાગ અને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ બનાવને લઠ્ઠાકાંડ સાથે સાંકળી રહ્યાં છે. જો કે પોલીસ તેમજ આરોગ્ય વિભાગે આ બાબતો કોઈ નક્કર પુરાવા હાથ ના લાગ્યા હોવાનું જણાવ્યું છે. આથી મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે, તો તેમના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.
આ મામલે લોકોમાં કથિત રીતે લઠ્ઠા કાંડની શક્યતા હોવાની વાતો લોકમુખે ચર્ચાણી હતી. જેને લઈને આ ચર્ચાને વેગ મળ્યો હતો. જો કે પોલીસ અને તંત્રને આ બાબતે કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા અને લોકોની એવી માગણી હતી કે મૃતકનું જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો તેમના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ જાણી શકાય તેમ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
